રોકાણ અને ધંધાકીય સુગમતામાં સતત સુધારાના જોરે ગુજરાત દેશનું સૌથી મોટુ મેન્યુફેકચરીંગ હબ બની ગયુ છે. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર, તેણે મહારાષ્ટ્રને બીજા નંબર પર ધકેલી દીધુ છે. રિઝર્વ બેંક અનુસાર, 2012 થી 2020 સુધીમાં ગુજરાતનું સકળ મુલ્ય વર્ધન (જીવીએ) 15.9 ટકાના સરેરાશ દરે વધીને 5.11 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયુ. આ સમયગાળામાં મહારાષ્ટ્રનું જીવીએ 7.5 ટકાના દરે વધીને 4.34 લાખ કરોડ રહ્યુ. એટલે કે આઠ વર્ષનો સરેરાશ વૃધ્ધિ દર ગુજરાત કરતા અડધો જ રહ્યો.
રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, જોરદાર રોકાણ અને ધંધાકીય સુગમતાએ ગુજરાતના આગળ નિકળવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ગુજરાતમાં લાયસન્સ મંજુરીની સીંગલ વીન્ડો વ્યવસ્થા, સરળ શ્રમ કાયદા અને મેન્યુફેકચરીંગ માટે પ્રોત્સાહન યોજના જેવા સુધારાઓએ પણ મોટી ભૂમિકા ભજવી. સેવા ક્ષેત્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર હજુ પણ દેશમાં સૌથી આગળ છે. રાજ્યનો સેવા જીવીએ વાર્ષિક 12.6 ટકાના દરે વધીને 2020માં 15.1 લાખ કરોડ રહ્યો છે. સેવાક્ષેત્રમાં તમિલનાડુ 3.43 લાખ કરોડ જીવીએ સાથે બીજા નંબર પર અને 2.1 લાખ કરોડ સાથે કર્ણાટક ત્રીજા નંબર પર છે. 1.87 લાખ કરોડ રૂપિયા જીવીએ સાથે યુપી ચોથા નંબર પર રહ્યુ છે. 2020માં દેશનો કુલ મેન્યુફેકચરીંગ જીવીએ વધીને 16.9 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે.