ગુજરાત સરકારે આગામી સોળમી માર્ચથી ક્વિન્ટલદીઠ રૂા. 1975ના ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 235 જેટલા ગોદામોમાં ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. જોકે હજી સુધી ઘઉંની ખરીદી કરવા માટે ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા ચાલુ થઈ નથી.
નવમી માર્ચથી 31મી માર્ચ સુધી ઘઉં વેચવા ઇચ્છતા ખેડૂતોના નામની નોંધણી કરવામાં આવશે. ગ્રામ પંચાયતમાં કે પછી નાગરિક પુરવઠા નિગમના ગોદામ ખાતે નામની નોંધણી કરાવી શકશે. આ નોંધણી ઓનલાઈન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે રવી સીઝીનમાં કુલ 130 ટકા વાવેતર થયું છે. આ 130 ટકા વાવેતરમાંથી 30 ટકા વાવેતર એકલા ઘઉંનું થયું છે. ઘઉંના વાવેતર હેઠળની જમીન અને તેમાં મળનારા ઉતારાને આધારે ખેડૂતોની સંસ્થા દ્વારા મૂકવામાં આવેલા અંદાજ મુજબ ગુજરાતમાં 15 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. પરંતુ આ જથ્થામાંથી કેટલા જથ્થાની ખરીદી સરકાર કરવા માગે છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ખેડૂતદીઠ કે પછી હેક્ટરદીઠ કેટલી ખરીદી કરવામાં આવશે તેની પણ સ્પષ્ટતા આજની જાહેરાતમાં કરવામાં આવી નથી.પરિણામે કેટલી ક્વોન્ટીટીની નોંધણી કરાવવી તે ખેડૂતો કળી શકતા નથી. ટેકાના ભાવે કઈ ક્વોલિટીના ઘઉંની ખરીદી કરવામાં આવશે તેની પણ સરકારે હજી જાહેરાત કરી નથી.આ સંજોગમાં ખેડૂતો ટેકાના ભાવે કેટલો માલ વેચવો અને બહાર બજારમાં કેટલો માલ વેચવો તે અંગે નિર્ણય લઈ શકે તે માટે સરકારે કુલ ખરીદીની ક્વોન્ટિટીની જાહેરાત કરી દેવી જોઈએ.
બીજું, સરકારે પેમેન્ટ ક્યારે કરશે તે અંગે પણ સ્પષ્ટતા કરી નથી. પેમેન્ટ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવે તો ખેડૂતોને ઘઉં વેચ્યા પછી પેમેન્ટ માટે ફરી ધક્કા ખાવાના સંજોગો આવશે નહિ. ટેકાના ભાવે ઘઉં વેચવા માગતા ખેડૂતોએ 8-અ અને 7-12ના પાણીપત્રક સહિતનો દાખલો રજૂ કરવો પડશે. સાત બારના ઉતારામાં જે સર્વે નંબરમાં ઘઉંની વાવણી કરવામાં આવી હોય તેની વિગતો આપવામાં આવે છે.
સાત બારના ઉતારામાં પાણીપત્રકનો ઉલ્લેખ ન હોય તો તેવા સંજોગોમાં ખેડૂતો ઘઉંનો પાક લેવા માટે જે બેન્કમાંથી ધિરાણ લીધુ હોય તે બેન્ક પાસેથી પાકનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરી શકે છે. તેમ જ પંચાયત પાસેથી પણ તે દાખલો કે પ્રમાણપત્ર મેળવી શકે છે. સરકાર ખરીદી કરવાની જાહેરાત કરે તેના એક દોઢ મહિનાથી નોંધણીની પ્રક્રિયા ચાલુ કરી દે તો છેલ્લી ઘડીએ બહુ મોટી દોડધામં થતી અટકી જાય છે. આ વખતે પણ ખરીદીની જાહેરાત સાથે જ ઓનલાઈન નોંધણીની જાહેરાત કરવામાં આવી હોવાથી ખેડૂતોના નામની નોંધણી વ્યવસ્થિત થાય તે માટે પગલાં લેવા જરૂરી છે.