જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આયુર્વેદના વૈશ્વિક પ્રસાર અને પ્રચાર માટે છેલ્લા 60 વર્ષોથી કાર્યરત છે. આયુર્વેદના ઉપચારને હવે જ્યારે વિશ્વભરમાં માન્યતા મળી રહી છે, ત્યારે આ સદીઓ જૂના જ્ઞાનને વ્યવસ્થિત રીતે, માળખાકીય શિક્ષણ પદ્ધતિમાં ઢાળીને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તેને સામાજિક સ્વાસ્થ્ય માટે પીરસી રહી છે. પરંતુ, આ જ્ઞાનનો ક્યાંય દૂરઉપયોગ ના થાય, ખોટી વ્યક્તિઓના હાથમાં અધુરું જ્ઞાન ના આવે, તે માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ તેની સંલગ્ન કોલેજીસના માળખામાં અગત્યના સુધારા કર્યા છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. મુકુલ પટેલ શિક્ષણની ગુણવત્તા બાબતે ખૂબ જ સજાગ છે. યુનિવર્સિટીને સંલગ્ન કોલેજીસમાં મેડિકલ શિક્ષણ અને સારવારને લઇને કોઈ પણ પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી નથી, તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમના આ જ અભિગમથી તાજેતરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તમામ સંલગ્ન કોલેજીસમાં ખાસ ઇન્સેપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારે ઇન્સ્પેક્શન ધરવા માટે સૌપ્રથમ એક વિઝિલન્સ કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટી દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ ખૂણે આવેલી તમામ કોલેજીસમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આ ઇન્સ્પેક્શન બાદ જો કોઇ કોલેજમાં કોઇ પણ પ્રકારની ગેરરીતી અથવા યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લંઘન થતું જણાય તો તેમને એકેડેમિક કાઉન્સિલ દ્વારા હિયરિંગ માટે બોલાવવામાં આવે છે. આ હિયરિંગ બાદ કમિટી જે રીપોર્ટ તૈયાર કરે છે, તેને આધારે કોલેજીસના શૈક્ષણિક માળખામાં સુધારા વધારા કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા તાજેતરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. જેને અંતે એકેડેમિક કાઉન્સિલની મિટિંગ પછી, કેટલીક સંલગ્ન કોલેજીસની વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે, તથા એક કોલેજની સંલગ્નતાને રદ કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. મુકુલ પટેલે જણાવ્યું હતું કે, ’મેડિકલ શિક્ષણ એ અન્ય વિષયોના શિક્ષણથી ઘણું જ અલગ છે. આ ક્ષેત્રમાં સ્હેજ પણ ગફલત કોઇના જીવને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ વ્યવસાય સાથે સામાજિક સ્વાસ્થ્યની જવાબદારી જોડાયેલી છે. માટે મેડિકલના શિક્ષણાં કોન્ટીટીથી વધુ શિક્ષણની ક્વોલિટી પણ ફોકસ હોવું જરૂરી છે. એમાં પણ જ્યારે ભારત સરકાર આયુર્વેદ દ્વારા સમગ્ર ભારત સ્વસ્થ બનાવવા પ્રયત્નશીલ હોય, ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના શિક્ષણમાં કોઈ પણ પ્રકારે ગેરરીતી ચલાવી શકાય નહીં. અહીંથી ભણીને વિદ્યાર્થીઓ જ્યારે દેશ- વિદેશમાં જઇને આયુર્વેદ દ્વારા ઉપચાર કરતાં હોય, ત્યારે તેમને યોગ્ય રીતે વિદ્યા મળે, જ્ઞાન મળે તે ચકાચવું એ અમારી જવાબદારી છે. જે જે કોલેજ યુનિવર્સિટીના માપદંડો પર ખરી ઉતરી નથી, તેમના શૈક્ષણિક માળખામાં કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના હિતને જ ધ્યાનમાં રાખવાનો છે.’
આ ઇન્સ્પેક્શનને અંતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની 31 સંલગ્ન કોલેજીસમાંથી એક કોલેજનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે. ધન્વન્તરી આયુર્વેદ કોલેજ, કોયડમનું એફિલિએશન વર્ષ 2025-26 માટે રદ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ, ટિચિંગ સ્ટાફ અને અન્ય માપદંડો પર આ કોલેજ ખરી ના ઉતરતાં તેનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત,
1. જય જલારામ આયુર્વેદિક કોલેજ, શીવપુરી
2. શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક મેડિકલ કોલેજ, અમરેલી
3. દાળિયા આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, કનેરા
4. અનન્યા આયુર્વેદ કોલેજ, કલોલ
5. બી.જી.ગરૈયા આયુર્વેદ કોલેજ, રાજકોટ
6. હિમાલય આયુર્વેદ ચિકિત્સાલય અને મહાવિદ્યાલય, વડસ્મા
7. સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદ કોલેજ, સુરેન્દ્રનગર
8. મંજુશ્રી રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ગાંધીનગર
આ તમામ કોલેજીસના સ્ટુડન્ટ ઇનટેકમાં બદલાવ લાવવામાં આવ્યો છે. આ તમામ કોલેજીસમાં સ્ટુડન્ટ ઇનટેકમાં 5%નો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના હિતને અને સામાજિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને આ ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આયુર્વેદના તબીબી વિજ્ઞાનના શિક્ષણને લઇને કોઈ પણ પ્રકારની ગેરરીતી યુનિવર્સિટી ચલાવી લેતી નથી, તેના આ પ્રમાણ છે. તબીબી શિક્ષણનું મહત્વ અને તેની ગંભીરતા તથા જવાબદારી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સમજે તે હેતુ માટે આ પગલાં લેવામાં આવ્યા છે તેમ ઓએસડી પી પી મહેતાની યાદીમાં જણાવાયું છે.