ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણયથી ઠંડા પીણાં મોંઘા બન્યા છે. કાઉન્સિલના આ નિર્ણયથી હવે કાર્બોનેટેડ ઠંડા પીણાં જેવાં કે, સોડા, ફ્રૂટ આધારિત પીણાં પર હવે 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ લાગુ કરાયો છે.
તાજેતરમાં જીએસટી કાઉન્સિલે ફ્રૂટ જ્યુસ જેમાં કાર્બોરેટેડ ફ્રૂટ જ્યુસનો સમાવેશ થયો હોય તેવા જ્યુસ પર 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ એમ 40 ટકા ટેકસ લાગે તેવી સ્પષ્ટતા કરતા ગુજરાતના આશરે 4500 ઉત્પાદકો મુશ્કેલીમાં આવી ગયા છે. નાના ગામોમાં પણ નાના મોટા પાન પાર્લર, ખુમચાઓ, હોટેલો અને રેસ્ટોરન્ટ આ ઠંડા પીણાં વેચતા હોય છે. આમ આવા પીણાંને કોકાકોલા સાથે સરખાવી બધાને સમાન દરે જીએસટી લગાવાતા ઉત્પાદકો મુશ્કેલીમા મુકાયા છે. સામાન્ય નિયમ પ્રમાણે જો કોઇ પીણાંમાં 10 ટકાથી વધુ ફ્રૂટનો રસ હોય તેવા પીણાંને ફ્રૂટ જ્યૂસ ગણવામાં આવે છે.
લીંબુંના કિસ્સામાં 5 ટકા કરતાં વધારે હોય તો ફ્રૂટ જ્યુશ ગણવામાં આવે છે. આમ એફએસએસએઆઇના નિયમ પ્રમાણે ફ્રૂટ જ્યુસ અને અન્ય ફ્રૂટ જ્યુસનું વર્ગીકરણ કરાયું છે. આમ જીએસટીમાં આવું કોઇ વર્ગીકરણ ન હોવાથી અત્યાર સુધી ઉત્પાદકો બિનઆલ્કોહોલિક વર્ગીકરણ કરી 12 ટકા જીએસટી ભરી રહ્યાં છે. પરંતુ આની સ્પષ્ટતા ન હોવાથી આ પીણાંને ડિપાર્ટમેન્ટે કાર્બોનેટેડ પીણાં તરીકે વર્ગીકરણ કરી સ્પષ્ટતા કરી છે કે, 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ લાગુ પડશે.
આમ સીધો 12 ટકાની જગાએ 40 ટકા ટેક્સ લાગુ થતા પડતર અને કિંમતમાં વધારો થશે. જેથી તેના વેચાણ અને સામાન્ય નાગરિકોને તેના પર મોટો બોજો આવશે. જીએસટી ડિપાર્ટમેન્ટે ડિટેઇલમાં અભ્યાસ કર્યા વગર આ નિર્ણય લેતા તેમજ પીણાંના વર્ગીકરણને ધ્યાનમાં ન લેવાતા ગુજરાતના નાના ગામોમાં ચાલતા ઉદ્યોગો ઉપર મોટો બોજો આવી પડશે.
GST કાઉન્સિલનો નિર્ણય : ઠંડા પીણાંના ભાવોમાં ગરમાવો
ગુજરાતના અંદાજે 4500 ઉત્પાદકો પર તથા લાખો ગ્રાહકો પર અસરો : કાઉન્સિલે અભ્યાસ કર્યા વિના આડેધડ 40 ટકા ટેકસ ઝીંકી દીધો !