હાપા માર્કેટ યાર્ડમાં ગઈકાલે ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીના વેંચાણ અર્થે પહોંચ્યા હતાં. ખેડૂતો મોટીસંખ્યામાં ઉમટતા હાપા માર્કેટ યાર્ડ બહાર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી મગફળીના વાહનોની કતારો લાગેલી જોવા મળી હતી. 900 જેટલા વાહનો લઇ ખેડૂતો પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લાં થોડા વર્ષોથી મગફળીની મબલખ આવક જોવા મળે છે. તમિલનાડુના વેપારીઓ હાપામાં મગફળીની ખરીદી માટે મોટા પ્રમાણમાં આવે છે અને ખેડૂતોને મગફળીના ઉચ્ચા ભાવો પણ મળે છે. તેમજ આ વર્ષે મગફળીનો પાક પણ મોટા પ્રમાણમાં થયો હોય. ગઈકાલે હાપા માર્કેટ યાર્ડમાં ઈતિહાસમાં કયારેય ન લાગ્યું હોય તેવી મગફળીના વાહનોની લાઈનો જોવા મળી હતી. ગઇકાલે રવિવારે યાર્ડ બંધ હોવા છતાં સોમવારે મગફળી વેંચાણની ગણતરીએ અનેક ખેડૂતો મગફળી ભરી હાપા યાર્ડ ખાતે પહોંચ્યા હતાં. હાપા માર્કેટ યાર્ડા ્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ 900 જેટલા વાહનો લઇ ખેડૂતો મગફળી લઇને પહોંચ્યા હતા એક અંદાજ મુજબ 80 હજારથી વધુ ગુણી મગફળીની આવક થઈ હતી.
ગઈકાલે હાપા માર્કેટ યાર્ડ ખાતે સાંજે 06 વાગ્યાથી વાહનો લઇને ખેડૂતો પહોંચી ચૂકયા હતાં. યાર્ડના મુખ્ય દરવાજાથી લઇને છેક ઠેબા ચોકડી સુધી માર્ગોની બંને તરફ મગફળી ભરેલા વાહનોની લાઈનો જ લાઈનો જોવા મળી હતી. જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો મગફળી વેંચવા માટે પહોંચ્યા હતાં.