દેશમાં જીએસટી લાગુ થયાને પાંચ વર્ષ થવા છતાં હજુ સિસ્ટમ ફુલપ્રુફ બની નથી. વેપારીઓને વખતોવખત અનેકવિધ સમસ્યાઓ ઉભી થઇ રહી છે. ઉપરાંત આડેધડ સમન્સ અને નોટીસ વિવિધ કાર્યવાહીઓ થતી હોવાની પણ ફરિયાદો રહે છે. તેવા સમયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા અધિકારીઓ દ્વારા કામગીરીમાં કોઇ અતિરેક ન થાય તે માટે ચોક્કસ માર્ગદર્શિકા ઘડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.તે પછી અધિકારીઓની જવાબદારી ફિક્સ થવાની સાથોસાથ વેપારીઓને પણ ફરિયાદને અવકાશ નહીં રહે.
કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યું કે આડકતરા કરવેરા બોર્ડને નવી માગદર્શિકા તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. જીએસટીમાં ગેરરીતિની તપાસ, તેની પ્રગતિ અને તપાસની લાઈન સંબંધીત નિયમો માર્ગદર્શિકામાં હશે તેના આધારે સમગ્ર તપાસ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને અધિકારીઓની પણ જવાબદારી નક્કી થશે. નોટીસો તથા સમન્સ સ્વીકારવાની પ્રક્રિયા પણ માર્ગદર્શિકાને આધીન જ રહેશે. અત્યાર સુધી અધિકારીઓ માટે કોઇ ચોક્કસ નિયમો નથી. સમન્સ કે નોટીસ ઇસ્યુ થાય ત્યારે વેપારી વર્ગ પણ વખતોવખત સાચા-ખોટા આક્ષેપો કરવા લાગે છે એટલે કરદાતાથી માંડીને અધિકારીઓ સુધી તમામ માટે મુશ્કેલી ઉભી થાય છે. એક વખત નિશચીત માર્ગદર્શિકા નક્કી થઇ જાય એટલે સમસ્યાનો અંત આવી જશે. સુત્રોના કહેવા પ્રમાણે માર્ગદર્શિકાનો મુદ્દો તૈયાર થઇ ગયો છે. આવતા દિવસોમાં વેપારીઓથી માંડીને અધિકારી સ્તર સુધી તેના વિશે પરામર્શ કરવામાં આવશે અને ત્યારબાદ આખરી માર્ગદર્શિકા ફાઈનલ કરી લેવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓથી જીએસટી વિભાગ દ્વારા નોટીસ તથા સમન્સની સંખ્યામાં મોટી વૃધ્ધિ થઇ છે. વેપારીઓ, કંપની વડાઓ વગેરેને સુનાવણીમાં રુબરુ હાજર રહેવા ફરમાન કરવામાં આવે છે. એટલું જ નહીં એકને એક મુદ્દે અનેક સમન્સ કે નોટીસો પાઠવવામાં આવતી હોવાના પણ કિસ્સા બહાર આવી રહ્યા છે.