યુએઇની બહેરીનની જીફોર્સ એકેડમીની ટીમ જામનગરના પ્રવાસે છે. ત્યારે ગઇકાલે અંડર-16ની ટીમનો જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનની ટીમ સામે મેચ રમાયો હતો.
જીફોર્સ એકેડમી દુબઇની બહેરીનની ટીમ ગુજરાતના 12 દિવસના પ્રવાસે આવી છે અને જામનગર ખાતે ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જેમાં શનિવારે અંડર-14ની ટીમનો મેચ રમાયા બાદ બીજા દિવસે રવિવારે અંડર-16ની ટીમનો મેચ રમાયો હતો. દુબઇથી અંડર-14, અંડર-16 અને અંડર-19ની ત્રણ ટીમના 45 જેટલા ખેલાડીઓ ગુજરાતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આવ્યા છે. જેમાં યુકે, ન્યુઝિલેન્ડ, બહેરીન, યુએસએથી ખેલાડીઓ જામનગર આવ્યા છે. ગઇકાલે રવિવારે વિદેશથી પધારેલ ક્રિકેટરોનો જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. દ્વારા ફૂલહાર અને બેન્ડવાઝા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વમંત્રી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગર શહેર ભજપ પૂર્વપ્રમુખ નિલેશભાઇ ઉદાણી, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઇ સ્વાદીયા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, વિનુભાઇ ધ્રુવ, એસો.ના સભ્યો, રણજી ટ્રોફીના ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ, વાલીઓ, ક્રિકેટની તાલિમ મેળવતાં ખેલાડીઓ તથા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.