જામનગરની સેવાક્યિ સંસ્થા હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશીવરાત્રી પર્વની ભારે ધામધુમપૂર્વક અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી અને છોટીકાશીમાં નિકળેલી આ 41મી શીવ શોભાયાત્રાનુંં ભવ્ય સ્વાગત કરાયું હતું. શહેરના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ભગવાન શિવજીની પાલખીનું પૂજન કરાયું હતું. તેમજ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જોડાયેલા તેમજ દર્શનાર્થે ઉમટેલા તમામ શિવભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
શહેરના એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ મુજબ સેન્ટ્રલ બેંક નજીક મહાશીવરાત્રીના પર્વના દિવસે આ વર્ષે હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા બાર જયોર્તિલીંગો પૈકીના કેદારનાથ જયોર્તિલીંગની અલૌકિક ઝાંખી ઉભી કરવામાં આવી હતી અને છોટીકાશી શિવભક્તોના દર્શન માટે મુક્વામાં આવી હતી.
ઝાંખી નિહાળવા અને દર્શનનો લાભ લેવા હજારો શિવભક્તો આવ્યા હતાં. જેઓને સરબત (પ્રસાદ)નું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું.
નગરમાં યોજાતી પરંપરાાગત 41મી શિવશોભાયાત્રાનું એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટ્રલ બેંક પાસે ઉભા કરાયેલા વિશાળ સ્ટોલ પાસે સ્વાગત કરવા માટે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જામનગર ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, શહેર ભાજપના મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા ઉપરાંત શહેર ભાજપના હોદેદારો, કોર્પોરેટરો, સ્થાનિક વેપારીઓ તથા અગ્રણીઓની સાથે એચ.જે.લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ, મીતેષભાઈ લાલ અને ક્રિષ્નરાજ લાલ દ્વારા શ્રધ્ધાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના અંતમાં જોડાયેલી ભગવાન શિવજીની રજતમઢિત પાલખીનું અને રજત મઢિત શિવજીના વિશાળ કદના આશુતોષ સ્વરૂપનું ટ્રસ્ટના હોદેદારો અને આમંત્રીતો દ્વારા ફુલહાર કરીને પુજન કરાયું હતું. તેમજ ટ્રસ્ટી, ઉપસ્થિત મહેમાનોએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. સેન્ટ્રલ બેંક પાસે શિવશોભાયાત્રાનું આગમન થયું ત્યારે આયોજક દ્વારા રંગબેરંગી આતશબાજી પણ કરવામાં આવી હતી. આ મહાશિવરાત્રીના પર્વમાં એચ.જે.લાલ ચેરી. ટ્રસ્ટ દ્વારા ઉભા કરાયેલા ફલોટસમાં દર્શનાર્થે આવેલા જામનગર શહેરના શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણી તથા અન્ય આમંત્રીતો વિગેરેને એચ.જે.લાલ ચેરી.ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા આવકારવામાં આવ્યાં હતાં અને તમામનો આભારવ્યક્ત કરવામાં આવ્યો હતો.