જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસેથી પસાર થતા રાજકોટના યુવાનને જામનગરના બે શખ્સોએ આંતરીને રાજકોટના દારૂના કેસમાં પોલીસને બાતમી આપી હોવાની શંકાના આધારે યુવાનની ચાર લાખની કિંમતની કાર છરીની અણીએ બળજબરીથી પડાવી લઇ વેચાણ અંગેનો કરાર કરાવી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, રાજકોટની ગાંધીગ્રામ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા સતિષ રસિકભાઈ વિશાણી નામનો યુવાન તેની જીજે-03-બીવી-7730 નંબરની ઈકો કાર લઇને જામનગર તરફ આવતો હતો ત્યારે સમર્પણ સર્કલ નજીક સુનિલ ઉર્ફે સાગર માણેક અને પ્રતિપાલસિંહ જાડેજા નામના બે શખ્સોએ આંતરી લીધો હતો અને રાજકોટમાં નોંધાયેલા દારૂના કેસમાં પોલીસને સતિષએ બાતમી આપી હોવાની શંકા રાખી બન્ને શખ્સોએ સતિષની રૂા.4 લાખની કિંમતની કાર છરીની અણીએ અપશબ્દો બોલી પતાવી દેવાનો ભય બતાવી બળજબરીથી પડાવી લીધી હતી અને સતિષને લાલ બંગલે બોલાવી કારના વેચાણ અંગે નોટરી અને લખાણ કરાવી સહી -સીક્કા કરાવી પતાવી દેવાની ધમકી આપી હતી.
કાર પડાવી લીધાના બનાવ અંગે સતિષ વિશાણી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે સુનિલ ઉર્ફે સાગર અને પ્રતિપાલસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી બન્નેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.