ડેથ ર્સિટફિકેટમાં કોરોનાના કારણે મોત થયું છે કે કેમ તેના ઉલ્લેખ અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં જેમના મોત ઘર અથવા હોસ્પિટલમાં થયાં છે તેમના મોતને કોરોનાના કારણે થયેલાં મોત તરીકે ગણાશે. જે કોરોના સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં સારવાર 30 દિવસ કરતાં વધુ ચાલી હોય અને મોત થયું હોય તેવા મોતને પણ કોવિડ મોત તરીકે ગણાશે.
કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયાં હોય અને ત્યારબાદ તેના કારણે પેદા થયેલી આડઅસરોને કારણ મોત થયું હોય તેવા દર્દીઓનાં મોતને પણ કોરોનાથી થયેલાં મોત તરીકે ગણવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા પછી 3 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆર દ્વારા સંયુક્ત રીતે જારી કરાયેલા અને સરળ બનાવાયેલાં નિયંત્રણો અંતર્ગત આ નવા નિયમો નક્કી કરાયા છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જે કોરોના કેસ આરટી-પીસીઆર ટેસ્ટ, મોલિક્યુલર ટેસ્ટ, આરએટી અથવા હોસ્પિટલ અથવા ઇન પેશન્ટ ફેસિલિટી ધરાવતા ફિઝિશિયન દ્વારા કરાવાયેલી તપાસ દ્વારા ક્લિનિકલી કોરોના સંક્રમિત જાહેર થયાં હોય તેમના મોતને કોવિડ મોત ગણાશે.
અધિક કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટ અનુસાર કોરોના ટેસ્ટ કરાયાની તારીખ અથવા ક્લિનિકલી કોરોના સંક્રમિત જાહેર થયાની તારીખથી 30 દિવસમાં થયેલાં મોતને કોવિડ મોત તરીકે ગણાશે. ભલે પછી તે મોત હોસ્પિટલ કે ઇન પેશન્ટ ફેસિલિટીની બહાર કેમ ન થયું હોય. તે ઉપરાંત 30 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આડઅસરોના કારણે મોત થયું હોય તો પણ તેને કોવિડ મોત ગણાશે.
કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના સંક્રમિતનાં ઝેર આપવાથી, આત્મહત્યા, સદોષ માનવવધને કારણે થયેલાં મોતને કોવિડ મોત ગણાશે નહીં. કયા સંજોગોમાં થયેલું મોત કોવિડ મોત ગણાશે ? કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં જેમનાં મોત ઘર અથવા હોસ્પિટલમાં થયાં છે.