ફેબ્રુઆરી-માર્ચ 2022માં પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યાર બાદ એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થઈ રહી હોવાથી ચૂંટણી યોજાશે, પરંતુ અત્યારે નેતાઓ-આગેવાનોમાં ચર્ચા થઈ રહી છે કે આ પાંચ રાજ્યોની સાથે જ ગુજરાતમાં પણ ચૂંટણી યોજી દેવાશે. ચૂંટણી વહેલી યોજવા પાછળ કેટલાક તર્ક અને કારણો છે.
ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં જો ભાજપનો ધબડકો થાય તો તેની વિપરીત અસર ગુજરાતની ચૂંટણીનાં પરિણામો પર પણ પડી શકે છે. આ ઉપરાંત, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત દેખાવ કર્યો હતો. ત્યારબાદ કેટલાય પાટીદારો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપમાં જોડાઈ છે. આગામી સમયમાં આ સિલસિલો ચાલુ રહી શકે છે. બીજી બાજુ કોરોનામાં જે રીતે નાગરિકોએ હાલાકી ભોગવી છે તેની વિપરીત અસર ચૂંટણી પર પડી શકે છે.
ઉપરાંત ગુજરાતમાં ભાજપ સંગઠન તેમજ સરકારમાં આંતરિક ખેંચતાણ છે. આ સ્થિતિથી ભાજપને નુકસાન થવાની ભીતિ છે. હાઈકમાન્ડ એવું વિચારી રહ્યું છે કે, ગત ચૂંટણીમાં પાટીદારોના આંદોલનને કારણે ભાજપે માંડ 99 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને ફાયદો થયો હતો. જેથી ભાજપ આ વખતે ચાન્સ લેવા માગતું નથી. વહેલી ચૂંટણી યોજવાથી ભાજપને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય એવી ગણતરી મંડાઈ રહી છે.