મિત્ર દેશ અફઘાનિસ્તાન પર તાલિબાન આતંકીઓના કબજા બાદ ભારતની ચિંતા વધી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને અફઘાનિસ્તાન મુદ્દે મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, નાણામંત્રી નિર્મલા સીતારમણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક એક કલાકથી વધુ સમય ચાલુ હતી અને તેમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ, ભારતની નીતિ, રાજદ્વારી સંબંધો, સુરક્ષા, ભારતીયોની વતન વાપસી વગેરે મુદ્દાઓ ચર્ચાયા હતા. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે અને ભારત અન્ય દેશો સાથે અફઘાનિસ્તાન મામલે સંપર્કમાં છે.
ભારતે અફઘાનિસ્તાનની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઈ વીઝા પ્રક્રિયા સરળ બનાવી છે. ઈમરજન્સીની સ્થિતિમાં તુરંત વીઝા આપવા ઓનલાઈન અરજી અને નિકાલની નવી શ્રેણી બનાવવામાં આવી છે. તાલિબાને સત્તા આંચકી લીધાના બે દિવસ બાદ ભારત સરકારે વીઝા પ્રક્રિયા અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ટ્વિટ કરી કહ્યું કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ધ્યાને લઈ વીઝા જોગવાઈની સમીક્ષા કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનના પૂર્વ નાયબ રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે ટ્વિટ કરી ખૂદને દેશના રાષ્ટ્રપતિ જાહેર કરી સૌનું સમર્થન માગ્યુ છે. તેમણે કહયુ કે અફઘાનિસ્તાનના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની અનુપસ્થિતીમાં નાયબ રાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બને છે. જે રૂએ તેઓ હવે રાષ્ટ્રપતિ છે. તેમણે એલાન કર્યુ કે તેઓ દેશમાં જ છે અને તાલિબાન સામે કયારેય નહીં ઝૂકે તથા તેમની સાથે એક છત નીચે નહીં રહે. સાલેહ પંજશીરમાં છુપાયા હોવાનું મનાય છે આ પ્રાંત હજુ તાલિબાનના કબજાથી મુક્ત છે.
બીજીતરફ મંગળવારે પહેલીવાર તાલિબાનના પ્રવકતા ઝબીઉલ્લાહ મુઝાહિદ દુનિયા સામે આવ્યા હતા અને વિશ્વ સમુદાય પાસે માન્યતા માગી હતી. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે તાલિબાન શાસન અંગે ટૂંક સમયમાં વિસ્તૃત (દરેક પક્ષકારો સાથે) ની સરકાર તથા શાસનનો રોડમેપ જાહેર કરવામાં આવશે. કોઈ વિદેશી દૂતાવાસને ખતરો નથી. સરકારી કર્મચારીઓને કામ પર પરત ફરવા તેમણે અપીલ કરી હતી.
અફઘાનિસ્તાન સંકટ ઉપર અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન ઉપર ચોમેરથી નિંદાનો ધોધ વહી રહ્યો છે ત્યારે તેમણે ફરી એકવાર નિવેદન કરતાં કહ્યું છે કે, અફઘાનિસ્તાન કે વિશ્વનાં અન્ય કોઈપણ ભાગમાં અમેરિકાનું લક્ષ્ય ફક્ત આતંકવાદ સામે લડવાનું હોવું જોઈએ. રાષ્ટ્રનિર્માણનું નહીં.
પોતાનાં વીડિયો સંદેશમાં બાઈડન કહે છે કે, અમેરિકાને હાલ 2021નાં ખતરાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. વિતેલા સમયનાં જોખમો ઉપર નહીં. આતંકવાદનો ખતરો હવે અફઘાનિસ્તાન ઉપરાંત અનેક સ્થાનેથી છે. સોમાલિયામાં અલ શબાબ, અરબમાં અલકાયદા, સીરિયામાં અલ નુસરા, ઈરાકમાં આઈએસઆઈએસ જેવા ખતરાઓ ઉપર હવે ધ્યાન આપવાનું છે. જેનાં માટે અમેરિકાએ પોતાનાં સંસાધનો કામે લગાડવાનાં છે. આ ઉપરાંત તેમણે અફઘાનમાંથી સેના વાપસીનો બચાવ કરતાં કહ્યું કે, અફઘાન નેતૃત્વએ કોઈપણ પ્રકારનાં સંઘર્ષ વિના જ તાલિબાનોને સત્તા ધરી દીધી.