શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને પી.એમ.સ્વનિધિ યોજના હેઠળના શહેરી શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કોઈપણ યોજના સાચા અર્થમાં ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સાચા વ્યક્તિને તેનો લાભ મળે છે.તેથી જ સમાજના દરેક વર્ગના લોકોને સીધો ફાયદો કરે એ પ્રકારની અનેક યોજનાઓ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકવામાં આવી છે.ભૂતકાળમાં લોન તો દુરની વાત પરંતુ લોકો બેંકમાં જવાનું પણ વિચારી ન શકતા ત્યારે આજે નાનામાં નાના માણસને પણ નરેન્દ્રભાઈ મોદીના સુદીર્ઘ આયોજનને કારણે સરળ રીતે લોન સાહિતના લાભો મેળવવા સરળ અને સુગમ બન્યા છે.સરકાર પોતે જ આજે નાના માણસની ગેરંટર બની છે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ વર્ગને અનેકવિધ લાભો પહોંચાડી “સૌનો સાથ સૌનો વિકાસ” મંત્રને ચરિતાર્થ કરી રહી છે.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સરકાર ગરીબોની સેવા, શ્રમિકોનું સન્માન અને વંચીતોને માન આપવાના મંત્ર સાથે આગળ વધી રહી છે.અને તેથી જ છેવાડાના માનવીને આવરી લેતી અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે.સામાન્ય માનવીના ઉત્થાન થકી 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવા સુધીની સફર પૂર્ણ કરવાની નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ છે.
આ પ્રસંગે પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં અમારા ધંધા બંદ થયા હતા.ત્યારે આ યોજનાના માધ્યમથી અમને સરળ રીતે લોન ઉપલબ્ધ થતા અમે ફરી પગભર બની શક્યા અને અમારા ધંધા રોજગાર ફરી આગળ વધી શક્યા.જેનાથી અમારા પરિવારને ખૂબ જ રાહત મળી અને અનેક પ્રકારની હાડમારીમાંથી અમે બચી શક્યા.
કાર્યક્રમ અંતર્ગત વિવિધ બેંકના પ્રતિનિધિઓ તથા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયાં હતા.તેમજ ઉપસ્થિત સૌ કોઈએ વડાપ્રધાનનો વીડિયો સંદેશો નિહાળ્યો હતો.મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ સૌ મહાનુભાવોને સ્વાગત પ્રવચન વડે આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભારવિધિ આસિસ્ટન્ટ કમિશનર કોમલબેને કરી હતી.
આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાશક પક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેરી ગરીબ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબા જાડેજા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, નાયબ કમિશનર ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટરઓ તથા બહોળી સંખ્યામાં શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.