જામનગર શહેરમાં આવેલી મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં ફરજ બજાવતો યુવાન બે દિવસ પહેલાં રાત્રિના સમયે સોમનાથ-ઓખા ટ્રેનમાંથી જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો હતો અને ઉતરીને રીક્ષામાં તેના ઘરે જતો હતો ત્યારે એક્ટિવા ચાલક બે શખસોએ રીક્ષા આંતરીને છરી બતાવી માર મારી અપહરણ કરી ગયા હતા અને કર્મચારીના એટીએમમાંથી 9 હજાર અને ખિસ્સામાં રહેલા 700 મળી કુલ રૂા. 9700ની રોકડની લૂંટ થયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જકાત નાકા સર્કલ પાસે સ્વામી નારાયણ મંદિર નજીક આવેલા પ્રમુખ પાર્કમાં રહેતો અને મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ફરજ બજાવતો મહેશભાઇ ટપુભાઇ કાંબરિયા (ઉ.વ.33) નામનો યુવાન ગત્ મંગળવારે રાત્રિના સમયે સોમનાથ-ઓખા ટ્રેઇનમાં જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો હતો અને ત્યાંથી જીજે10-ટીડબલ્યુ-4161 નંબરની રીક્ષામાં બેસીને તેના ઘર તરફ જતો હતો ત્યારે બેડીના ઓવરબ્રીજ નીચે પહોંચ્યો ત્યારે પાછળથી સફેદ કલરના એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રિક્ષા આંતરીને યુવાનને છરી બતાવી ઉતારી દીધો હતો. રિક્ષાચાલકને ભગાડી મૂકયો હતો. ત્યારબાદ બન્ને શખ્સોએ યુવાનને ઢસડીને પૂલ નીચે લઇ જઇ માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી મહેશભાઇ પાસે રહેલા રૂા. 700, મોબાઇલ ફોન તથા એટીએમ કાર્ડની લૂંટ કરી હતી.
ત્યારબાદ બન્ને શખ્સોએ મહેશભાઇને છરી બતાવી તેના એક્ટિવામાં અપહરણ કરી યુવાનના એટીએમમાંથી રૂા. 9000 ઉપાડી લીધાં હતાં. આમ, કુલ રૂા. 9700ની લૂંટ ચલાવી, મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બન્ને શખ્સો એક્ટિવા પર નાશી ગયા હતા. બાદમાં સરકારી કર્મચારી યુવાનએ આ બનાવ અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ એક્ટિવાચાલક અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ લૂંટ અને હુમલાનો ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરના શાંત એવા પટેલ કોલોની સહિતના વિસ્તારમાં લુખ્ખાઓનો ત્રાસ અસહ્ય બનતો જાય છે. દિવસને દિવસે મારામારીની ઘટનાઓ તથા ધૂમ સવારી બાઇક ચલાવવા, લુખ્ખાગીરી કરવા, જાહેર રોડ પર મહેફિલો માણવા સહિતના ગુનાઓ બેખૌફ બની રહ્યાં છે. આ વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે માત્ર રોડ પર જ નહીં, પરંતુ અંદરના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવું ફરજિયાત બની ગયું છે. જેથી બેખૌફ ફરી રહેલા લુખ્ખા તત્ત્વો શાંત શહેરીજનોને ત્રાસ આપતા બંધ થઇ જાય.


