ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર વોચડોગ કમિશને 2019માં અમેરિકન મલ્ટિનેશનલ કંપની ગૂગલ સામે યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ કેસ દાખલ કર્યો હતો. એ કેસમાં ઓસ્ટ્રેલિયન કોર્ટે ગૂગલને અંદાજે 340 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલે એ રકમ આપવાની તૈયારી બતાવી છે. કેસ લોકેશન સેટિંગ્સને લગતો હતો. ઓસ્ટ્રેલિયામાં ગૂગલે 2017 અને 2018માં યુઝર્સના લોકેશન્સની વિગતો અન્ય એપ્સના માધ્યમથી મેળવી હતી. એક તરફ ગૂગલનું કહેવું હતું કે લોકેશન હિસ્ટ્રી સેટિંગ્સ યુઝર્સના મોબાઈલમાં લોકેશન જાણવાનો એક માત્ર વિકલ્પ છે. બીજી તરફ વેબ અને એપ્લિકેશન્સ પર નજર રાખતા ફિચરના માધ્યમથી પણ ગૂગલે 13 લાખ યુઝર્સના લોકેશન્સની વિગતો મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ક્ધઝ્યૂમર વોચડોગ કમિશનના ધ્યાનમાં આ બાબત આવી હતી. ગૂગલે 2018ના અંતે એમાં ફેરફાર કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં અસંખ્ય યુઝર્સ ગેરમાર્ગે દોરવાયા હતા.
ગૂગલ સામે એ પછી કોર્ટમાં કેસ થયો હતો. 2019થી ચાલતા એ કેસનો ચુકાદો આવ્યો હતો. કોર્ટે ગૂગલને 340 કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલના ઓસ્ટ્રેલિયા સ્થિત અધિકારીઓએ આ રકમ આપવાની તૈયારી બતાવી હતી.
ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન કમિશનના નિયામકે કહ્યું હતું કે 2018 પછી ગૂગલે તેની કામ કરવાની પદ્ધતિ દેશમાં બદલી હતી, પરંતુ એ પહેલાં ગૂગલે લોકેશન હિસ્ટ્રીનો જે દાવો કર્યો હતો એ જૂઠો સાબિત થયો હતો. લોકેશન હિસ્ટ્રી સેટિંગ્સ એન્ડ્રોઈડ ફોનમાં બંધ હોવાથી યુઝર્સે માની લીધું હતું કે તેમનું લોકેશન ગુપ્ત રહે છે, હકીકતે ગૂગલે એ લોકેશનનો ડેટા એકઠો કર્યો હતો. અસંખ્ય યુઝર્સ ગેરમાર્ગે દોરવાયા હોવાથી ગૂગલ સામે દંડ થવો જોઈએ એવી માગણી ઓસ્ટ્રેલિયન ક્ધઝ્યૂમર વોચડોગે કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી.