તહેવારોની સીઝનમાં ભારતના અર્થતંત્ર માટે ચાર મોટા સમાચાર આવ્યા છે. એક તો મોંઘવારીમાં નોંધનીય ઘટાડો અર્થતંત્ર માટે ખુશખબર આપી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ઘટી 1.54 ટકા નોંધાયો છે. જે છેલ્લા 8 વર્ષના તળિયે નોંધાયો છે. જે જૂન, 2017 બાદનું સૌથી નીચુ સ્તર છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 2.07 ટકા હતો.બીજું જથ્થાબંધ ફુગાવો પણ સપ્ટેમ્બરમાં ઘટી 0.13 ટકા નોંધાયો છે. ઓગસ્ટમાં 0.52 ટકા હતો. જીએસટીમાં સુધારાના કારણે 70 ટકા ચીજો સસ્તી થઈ છે. ખાણીપીણીના સામાન, ફેક્ટરી પ્રોડક્ટ્સ અને અન્ય ચીજોના ભાવમાં ઘટાડો થતાં લોકોના ખિસ્સા પર બોજો ઘટ્યો છે. જે દેશના જીડીપી ગ્રોથને વેગ આપશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સુધરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ અટકી હતી. પરંતુ હવે તેમાં પ્રગતિ જોવા મળી રહી છે. હાલમાં જ અમેરિકાનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું હતું. ભારતીય દળ પણ આ સપ્તાહે અમેરિકા જઈ રહ્યું છે. જે સંકેત આપે છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વેપાર કરાર થશે. જો આ કરાર થયા તો ભારતની નિકાસ વધશે, નોકરીઓનું સર્જન થશે, જે આપણા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકશે.
IMF તરફથી ચોથી ખુશખબર આવી છે. તેના હેડ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત હવે વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન બની રહ્યું છે. ઈંખઋ-વર્લ્ડ બેન્કની બેઠક પહેલાં તેમણે કહ્યું કે ભારતની આર્થિક નીતિઓએ તેની પ્રગતિ પર શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે. વિશ્વ ભારતના અર્થતંત્રની વૃદ્ધિની ગતિથી આશ્ચર્યચકિત છે. ઉપરોક્ત ચાર રિપોર્ટ ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ફુગાવો નિયંત્રણમાં છે, વેપાર વધી રહ્યો છે, અને વિશ્વ આપણી શક્તિને સ્વીકારી રહ્યું હોવાના સંકેત આપી રહ્યું છે.એક સાથે આવેલા સારા સમાચારને કારણે છેલ્લા કેટલાક દિવસથી અસમંજશમાં રહેલું ભારતીય શેરબજાર આજે ઝૂમી ઉઠયું હતું. આજે સવારે બજાર ફલેટ ખુલ્યા બાદ સતત તેજી જોવા મળી હતી. નિફટીમાં 150થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવાયો હતો. જેને કારણે નિફટી રપ300નું લેવલ પાર કરવામાં સફળ થયો હતો. બીજી તરફ સેન્સેકસમાં પણ 450 પોઇન્ટનો વધુનો ઉછાળો જોવાયો હતો. બેંક શેરોએ પણ દોડ લગાવી હતી. આઇટીને બાદ કરતાં લગભગ તમામ સેકટરમાં સારી એવી તેજી જોવા મળી હતી. બજાર નિષ્ણાંતોના મતે દિવાળી સુધી આ તેજી આગળ ધપી શકે છે.


