ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યાને લઈને ઉત્તરાખંડ સરકારને નૈનીતાલ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હવે ગમે તેટલી સંખ્યામાં યાત્રાળુઓ ચારધામની યાત્રા કરી શકશે. ચારધામ યાત્રામાં ભક્તોની સંખ્યા વધારવાના મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ચારધામમાં યાત્રાળુઓની સંખ્યા અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ કોર્ટે કેદારનાથ ધામ માટે દરરોજ માત્ર 800 શ્રદ્ધાળુઓ, બદ્રીનાથ ધામ માટે 1000, ગંગોત્રી માટે 600, યમુનોત્રી માટે 400 ભક્તોને મંજૂરી આપી હતી.
તાજેતરમાં સરકારે યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યા વધારવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી, સોમવારે, એડવોકેટ જનરલ એસએન બાબુલકર અને મુખ્ય સ્થાયી એડવોકેટ ચંદ્રશેખર રાવતે કોર્ટમાં આ મામલે વહેલી સુનાવણી માટે જણાવ્યું હતું.
એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું હતું કે ચારધામ યાત્રા સમાપ્ત થવા માટે 40 દિવસથી ઓછા સમય બાકી છે. તેથી, જે ભક્તો ત્યાં આવી રહ્યા છે, તેમને દર્શન કરવાની છૂટ હોવી જોઈએ. ઓનલાઈન દર્શન માટે નોંધણી કરનારા ભક્તો આવતા નથી. આથી સ્થાનિક લોકો સામે આજીવિકાનું સંકટ ઉભું થયું છે. આ ઉપરાંત સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ જે વ્યક્તિએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે તેઓએ કોરોનાનો નેગેટીવ રીપોર્ટ નહી બતાવવો પડે.


