જામનગર શહેરના રામેશ્વરનગર પાછળ આવેલા માટેલ ચોકમાં રાજરાજેશ્વરી સોસાયટીમાં રહેતાં શિક્ષકના મકાનની લોખંડની ડેલીનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તસ્કરોએ સોના-ચાંદીના રૂા.1.41 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા માટેલ ચોક પાસે રાજરાજેશ્વરી સોસાયટીમાં રહેતાં હરીશભાઈ અમૃતલાલ પરમાર નામના શિક્ષકના બંધ મકાનમાં નવ માસ અગાઉ તસ્કરો ત્રાટકયા હતાં અને લોખંડની ડેલીનું તાળુ નકૂચા સહિત તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી પુત્રવધૂનો ગળે તથા કાને પહેરવાની બુટી સહિતનો રૂા.1,01,000 ની કિંમતનો સોનાનો 19 ગ્રામ વજનનો શેઠ તથા રૂા.10 હજારની કિંમતની સોનાની બે ગ્રામની વીંટી, રૂા.15000 ની કિંમતના 200 ગ્રામ ચાંદીના સાંકળા તથા રૂા.15000 ની કિંમતના 200 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો મળી કુલ રૂા.1,41,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે શિક્ષકે સિટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઈ આર.પી. અંસારી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.