મુંબઈ-મહારાષ્ટ્ર દેશના અનેક રાજયોમાં ફરી મેઘસવારી શરૂ થઈ છે અને આવતા દિવસોમાં અન્ય અનેક રાજયોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં ગઈ સાંજે એકાએદ હવામાનપલ્ટો થયો હતો અને ધોધમાર વરસાદ ખાબકયો હતો. અનેક પરા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. નાસિકમાંથી પસાર થતી ગોદાવરી નદીમાં ભારે પૂર આવતાં નદી ગાંડીતૂર બની હતી.મુંબઈ વેધશાળાના રિપોર્ટ પ્રમાણે શાંતાક્રુઝ ઝોનમાં અઢી ઈંચ તથા કોલાબામાં એક ઈંચ વરસાદ થયો હતો. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક સહિતના શહેરોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આવતા ત્રણ દિવસ ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેસર સર્જાયુ છે. ચાલુ ચોમાસામાં બંગાળની ખાડીમાં 6ઠ્ઠી વખત સિસ્ટમ બની છે તેની અસર હેઠળ મહારાષ્ટ્રના દરિયાકિનારા તથા મધ્ય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. રાયગઢ, રત્નાગીરી તથા સિંધુદુર્ગમાં અતિભારે વરસાદ થવાની શકયતા છે. પુના-સતાવારા તેમજ મરાઠવાડા અને વિદર્ભના ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે. ઝારખંડ જેવા અન્ય રાજયોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ કર્ણાટકમાં ભારે વરસાદને પગલે પાડોશી આંધ્રપ્રદેશમાં નદીઓ ગાંડીતૂર બની છે અને પૂર સંકટ સર્જાયુ છે.