કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી યુવતીને દવા છાંટતા સમયે વિપરીત અસર થવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં નિંદ્રાધિન પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં રહેતી અને ખેતી કામ કરતી રૂદનબેન દાનાભાઈ વંસ (ઉ.વ.25) નામની યુવતી ગત તા.16 ના રોજ સવારના સમયે તેના ખેતરમાં પાકમાં દવાનો છંટકાવ કરતી હતી તે દરમિયાન દવાની વિપરીત અસર થવાથી તબિયત લથડતા બેશુધ્ધ જેવી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડી તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ફોગાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. વી. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ રાણીશીપમાં રહેતા કરશન પુનાભાઈ વાઘેલા (ઉ.વ.50) નામના પ્રૌઢ મંગળવારે રાત્રિના તેના ઘરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કિર્તી દ્વારા જાણ કરાતા હેકો એલ.જી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.