જામનગર મયુરનગર આવાસમાં માવતરે રોકાવવા આવેલી યુવતીને છેલ્લાં ચાર વર્ષથી સાયટીકા અને શ્ર્વાસની બીમારીના કારણે તબીયત લથડતા તેણીના ઘરે એકાએક બેશુધ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજ્યું હતું. જામનગરના માધાપરભુંગા વિસ્તારમાં રહેતાં પાંચ વર્ષના બાળક ઉપર જીએમબીની દિવાલનો ગેઈટ માથા ઉપર પડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, રાજકોટના જસદણ તાલુકાના ભાડલા ગામે પરણેલી માનશીબેન અક્ષય ચૌહાણ (ઉ.વ.25) નામની યુવતીને છેલ્લાં ચાર વર્ષથી સાયટીકા અને શ્ર્વાસની બીમારી થઈ હતી. આ બીમારીના કારણે યુવતીનું શરીર ગળતુ જતુ હતું. દરમિયાન જામનગરના મયુરનગર રોડ પર આવેલા આઠ માળિયા આવાસમાં રહેતા પિતા જગદીશભાઈ ધામેચાના ઘરે રોકાવવા આવી હતી. તે દરમિયાન રવિવારે સાંજના સમયે એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા જગદીશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના માધાપર ભુંગા જુમ્મા મસ્જિદ પાસે રહેતો અલ્ફાઝ આદમ બેલા (ઉ.વ.05) નામનો બાળક ગત શનિવારે સવારના સમયે તેના ઘર પાસે રમતો હતો તે દરમિયાન જીએમબી દિવાલનો લોખંડનો ગેઈટ બાળકના માથા ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સલીમભાઈ ભગાડ દ્વારા જાણ કરાતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


