કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતી તરૂણીને સગપણ કરવું ન હોવા છતાં પરિવારજનો તેણીનાં સગપણ માટે યુવકને જોવા ગયા હતાં જે બાબતનું મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર તાલુકાના મોડા ગામમાં રહેતાં પ્રૌઢનું તેના ખેતરમાં પગ લપસી જતા કૂવામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતાં યુનુસુભાઈ હાલેપોત્રા નામના યુવાનની પુત્રી સુનીલાબેન (ઉ.વ.17) નામની તરૂણીના સગપણની વાતચીત ચાલતી હતી પરંતુ તરૂણીને સગપણ કરવું ન હોવા છતાં તરૂણીના માતા-પિતા અને પરિવારજનો જામનગરમાં સગપણ માટે યુવકને જોવા ગયા હતાં. આ બાબતનું મનમાં લાગી આવતા રવિવારે સવારના સમયે તેણીના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાંજે યુવકને જોઇ પરત ફરેલા પરિવારને તરૂણીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ યુનુસભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. વી. છૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં રહેતા વનરાજસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.31 ડિસેમ્બરના બપોરના સમયે તેના ખેતરના કૂવા પાસેથી જતા હતાં ત્યારે અચાનક પગ લપસી જતા કૂવાના પાણીમાં ખાબકતા ડૂબી જવાથી મોત નિપજયું હતું. મૃતકના પુત્ર જયરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.