જામનગર તાલુકાના જગા ગામના વાડી વિસ્તારમાં યુવતીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરની શિવદર્શન સોસાયટીમાં રહેતાં પ્રૌઢાને છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના વરણા ગામમાં રહેતા નવીનભાઈ મોહનભાઈ વાઘેલા નામના પ્રૌઢની પુત્રી શર્મિલાબેન વાઘેલા (ઉ.વ.23) નામની યુવતીએ ગત તા.20 ના રોજ સવારના સમયે જગા ગામની સીમમાં આવેલા ખેતરમાં કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના મેહુલપાર્ક પાસે આવેલા શિવદર્શન સોસાયટીમાં રહેતાં મહાવીરસિંહ ઉદયસિંહ ગોહિલ (ઉ.વ.55) નામના પ્રૌઢાને તા.26 ના રોજ મધ્યરાત્રિના સમયે છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર બ્રિજરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.