જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં માતા સાથે રહેતી યુવતીને તેના જ સગાભાઇએ જેમ ફાવે તેમ ગાળો કાઢી, પતાવી દેવાની ધમકી આપી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ હુમલાના બનાવની મળતી વિગત મુજબ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાછળ કાદરી ચોકમાં રહેતા રેશમાબેન યુસુફભાઇ ખુરેશી (ઉ.વ.27) પોતાની માતા સાથે રહેતા ઘરમાં રહેતાં હોય જે તેના સગાભાઇ અજિત યુસુફભાઇ ખુરેશીને પસંદ ન હતું. આથી રેશ્માબેનને ઘરેથી કાઢી મૂકવા બાબતે ગઇકાલે ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રેશમાબેનને ડાબા પગના ઘુટણમાં સામાન્ય તથા શરીરે મુંઢ ઇજા પહોંચી હતી. ઉપરાંત અજિતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત રેશ્મબેનને હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદી દ્વારા કરાયેલી બનાવની જાણના આધારે હે.કો. એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ આરોપી અજિત વિરૂઘ્ધ હથિયારબંધી ભંગ તેમજ મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


