જામનગર જિલ્લાના સિકકામાંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે પોતાના અંગત ફાયદા માટે ઘરેલું ગેસના બાટલામાંથી અન્ય નાના-મોટા બાટલામાં ગેસ રિફિલિંગ કરતાં એક શખ્સને 19 નંગ બાટલાં તથા ઇલેકટ્રીક મોટર અને વજન કાંટો સહિત કુલ રૂા.47,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ સિકકા પંચવટી સોસાયટીના મેઇન બજાર પ્રણવરાજ સ્કુલ પાસે બંધ મકાનના ફળિયામાં અંગત ફાયદા માટે ગેસના બાટલામાં રિફિલિંગ કરાતું હોવાની પોલીસને મળેલ બાતમીના આધારે સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન મુસ્તાક ઉમરભાઇ મનોરિયા નામના શખ્સને ઘરેલું ગેસના બાટલામાંથી અન્ય નાના-મોટા બાટલામાં ઇલેકટ્રીક મોટર વડે ઘરેલું ગેસ રિફિલિંગ કરતાં ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા 19 નંગ બાટલાં તથા ઇલેકટ્રીક મોટર અને વજન કાંટો સહિત કુલ રૂા.47,500નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.