જામનગર શહેરના ન્યુ સાધના કોલોની વિસ્તારમાં રહેતાં વૃદ્ધા રાત્રિના સમયે તેના પતિ સાથે જતાં હતા ત્યારે રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે છરી બતાવી વૃદ્ધાએ પહેરેલો ત્રણ તોલાનો દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઇન ઝુંટવી લઇ વૃદ્ધાને ધક્કો મારી પછાડી દઇ રિક્ષામાં પલાયન થઇ ગયા હતા. પોલીસે આ ગુનામાં બે શખ્સોની ઝડપી લઇ સોનાના ચેઇનનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ન્યુ સાધના કોલોનીની શેરી નંબર એકના બ્લોક નંબર M/48, રૂમ નંબર 3830માં વસવાટ કરતાં મણિબેન સમસુદીનભાઈ પુંજાણી (ઉ.વ.77) નામના વૃદ્ધા ગત્ તા. 12 ડિસેમ્બરના રોજ રાત્રિના નવ વાગ્યાના સુમારે તેના પતિ સમસુદીનભાઈ સાથે સાધના કોલોનીના ગેટ નંબર એક પાસેથી પસાર થતાં હતા ત્યારે એકાએક રિક્ષામાં ધસી આવેલા બે શખ્સો પૈકીના એક શખ્સે પવનવેગે છરીની અણિએ ધમકાવી વૃદ્ધાના ગળામાં પહેરેલો ત્રણ તોલાનો દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઇન ઝૂંટી લીધો હતો. ત્યારબાદ વૃદ્ધાને ધક્કો મારી પછાડી દેતાં શરીરે મુંઢ ઇજા પહોંચી હતી. બાદમાં બન્ને શખ્સો ગણતરીની સેકંડોમાં જ રિક્ષામાં પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગેની વૃદ્ધા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. કે. બલોચ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમ્યાન ચીલઝડપના બનાવમાં સંડોવાયેલા તસ્કરો અંગેની મળેલી બાતમીના આધારે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફએ અતુલ દિલીપ રાજકોટિયા અને કરણ હિમત સોલંકી નામના બે તસ્કરોને ચીલઝડપ કરેલા સોનાના ચેઇન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભીહતી.


