જામનગરના નવા નાગના સહિતના વિસ્તારોમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ગેંગ સક્રિય બની હોય લોકોે હેરાન પરેશાન થતા હોવાની ગ્રામજનો સહિતના દ્વારા જામનગર જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે. આમ આ અંગે કાર્યવાહી કરી આવા તત્વોથી રક્ષણ આપવા માંગણી કરાઇ છે.
જામનગરના નવાનાગના ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસવડા ને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નવા નાગનાના શાંતિલાલ પ્રાગજીભાઈ નકુમ, રાઠોડ દેવરાજભાઈ વેલજીભાઈ, વિનોદ નકુમ, રાઠોડ નિતેશ કરશનભાઈ, નકુમ હરીશ દેવશીભાઇ, કટેશિયા રાજેશભાઈ જેરામભાઈ, રાઠોડ મુકેશ નાથાભાઈ સહિતના લોકો પોતાના કામ ધંધા અર્થે જામનગર આવ્યા હોય અને કામ પત્યા બાદ નવા નાગના પોતાના ઘરે જતી વખતે સાત રસ્તા સર્કલથી નવ ડેરી સુધીમાં અજાણ્યા શખ્સો પોતાની ગાડી વચ્ચે રાખી દે છે. અને તેઓને કોઇ પણ જાતની ગાડી અડી ન હોય કે અકસ્માત થયો ન હોય. છતાં ખોટી ધાક ધમકીઓ આપી ખોટી રીતે પૈસા પડાવવા માટે ગાડીમાં નુકસાન થયું છે અને પોતાને લાગ્યું છે તેવી ધાક ધમકી આપી પૈસા પડાવે છે તેમજ એક વખત આ બાબતે પૈસા આપી દીધા હોવા છતાં પણ ખોટી રીતે ફોન કરી ધાક ધમકી આપી હેરાન પરેશાન કરવામાં આવે છે.
રાઠોડ દેવરાજભાઇ તાજેતરમાં વ્હોરાના હજીરા પાસે પોતાની ગાડી લઇને જતા હતાં તે દરમિયાન બે અજાણ્યા શખ્સો પોતાનું સ્પ્લેન્ડર અચાનક આડુ નાખી તેમની ગાડીને જરા પણ અડી ન હોવા છતાં નુકસાન કર્યુ હોય. પગ ભાંગી ગયો છે તેમ જણાવી સારવારના પૈસા આપો નહીંતર જાની મારી નાખવાીન ધમકી આપી હતી. અને રૂા.40000 પડાવી લીધા હતાં. ત્યારબાદ બે દિવસ બાદ ફરીથી તેમનું ઘરનું એડ્રેસ મેળવી તે એડ્રેસ પર પહોંચી ખોટી રીતે ધમકાવી વધુ રૂા.35000 ની માંગણી કરી હતી. જેથી ગ્રામજનો ભેગા થઈ જતાં એક શખ્સ નાશી ગયો હતો. અન્ય શખ્સ અપશબ્દો બોલવા લાગતા આ દરમિયાન બેડી મરીન પોલીસ પહોંચી જતા આરોપીને પોલીસને સોંપી આપ્યો હતો.
આથી આવા અસામાજિક તત્વો અને લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા શખ્સો વિરૂધ્ધ કડક પગલાં લેવા નવા નાગનાના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.