જામનગરની જી. જી. હોસ્પિટલમાં આઉટસોર્સિંગના બે ક્લાર્ક સામે રૂા. 17 લાખ જેટલી માતબર રકમની ઉચાપત કરી આ નાણાં પોતાના અંગત ઉપયોગમાં લઇ છેતરપિંડી આચરી હોવાની મેડીકલ ઓફિસર દ્વારા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં પોલીસ તપાસ બાદ વધુ માહિતી બહાર આવી શકે તેવી શક્યતા છે અને આ મોટું કૌભાંડ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
જામનગરમાં ચકચારી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિલમાં લાખોનું બિલિંગ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં હોસ્પિટલના હિસાબી શાખાના આઉટ સોર્સિગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં ભાર્ગવ વિજયભાઇ ત્રિવેદી (રે. દિ.પ્લોટ શેરી નં. 9, જામનગર) અને દિવ્યાબેન જયેશભાઇ મુંગરા (રે. કૃષ્ણનગર શેરી નં. 5, જામનગર) નામના બંને કર્મચારીઓ વર્ગ-1 થી 4ના પગારબીલો તથા અન્ય નાણાકીય ભથ્થાના બીલો બનાવવા સહીતની બંને અંદાજિત 5થી 6 વર્ષથી સંભાળે છે. તે દરમિયાન વર્ષ-2023ના ઓકટોબર માસથી તા. 2 એપ્રિલ-2025 પોણા બે વર્ષ દરમિયાન બંને કર્મચારીઓએ ગેરફાયદો ઉઠાવીને બીલો તથા અન્ય બીલોમાં છેડછાડ કરી કર્મચારીઓના નામ સામે પોતાના બેંક એકાઉન્ટ નંબર તેમજ તેમના સગાના બેંક એકાઉન્ટની એન્ટ્રી કરી દસથી પંદર દિવસનાગાળામાં અલગ અલગ બીલો બનાવી સરકારી નાણાની ઉચાપત્ત કરીને પોતાના અંગત ફાયદામાં ઉપયોગ કરતાં હતાં. જ્યારે એક જ બેંક એકાઉન્ટમાં પોણા બે વર્ષમાં રૂા. 17.20 લાખ જમા થયાનું તિજોરી શાખાને ધ્યાને આવતાં તેઓએ જી.જી. હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી. જે અંગેની તપાસ બાદ બીલીંગ કૌભાંડ બહાર આવતાં હોસ્પિટલના અધિકારીઓએ તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
આ અંગેની મેડિકલ ઓફિસર અને હોસ્પિટલના ઉપાડ અને વહેચણી અધિકારી તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ડો. ભાવિનભાઇ ચંપકભાઇ કણસાગરાએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ જે.પી. સોઢાએ તપાસ હાથ ધરીને બંને કલાર્કની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવથી ગાંધીનગર સુધી પડઘા પડયા છે.


