જામનગરની જી. જી. હોસ્પિટલમાં છેલ્લાં થોડાંક સમયથી બનતી ઘટનાઓ સિક્યોરિટી અને વહીવટી તંત્ર ઉપર અનેક સવાલો ઉભા કરી દે છે. જેમ કે, હાલમાં જ હોસ્પિટલમાં થયેલી મારામારી બાદ દવાબારીના કર્મચારી દ્વારા ચડી પહેરીને દવાઓ આપતો વિડિયો વાઇરલ થતાં ભારે ચકચાર જગાવી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અને મોટી હોસ્પિટલ હોવાના કારણે સામાન્ય ઘટનાઓ તો બનતી હોય તે નજીવી બાબત છે. પરંતુ તંત્રની બેદરકારી અને સિકયોરીટીની બેજવાબદારીના કારણે છેલ્લા થોડા દિવસોમાં હોસ્પિટલમાં બનેલી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. હાલમાં જી. જી. હોસ્પિટલની અંદર મારામારીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો. જે બનાવે પણ તંત્રની આંખ ઉઘાડી દીધી હતી અને સિકયોરીટી કેવી ફરજ બજાવે છે તેના પર અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં હતા. મારામારીનો વિડિયો હજી ચર્ચામાં જ છે ત્યાં જી. જી. હોસ્પિટલમાં દવાબારીમાં દવા આપતો કર્મચારી બેશરમ થઇ ચડ્ડી પહેરીને દવા વિતરણ કરતો હતો. આ વિડિયો જાગૃત નાગરિકે તેના કેમેરામાં કેદ કરી વાયરલ કરી દેતાં જી. જી. હોસ્પિટલ ફરીથી ચર્ચાના ચકડોળે ચઢી ગઇ છે. જો કે, આ વિડિયો કેટલા દિવસ પહેલાંનો છે તે તપાસનો વિષય છે. પરંતુ હાલ તો વીડીયોના કારણે જી. જી. હોસ્પિટલનું તંત્ર મુશ્કેલીમાં મૂકાઇ ગયું છે.


