જામનગરની જી. જી. હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ઓફિસમાં નોકરી કરતાં કર્મચારી સહિતના બે શખ્સોએ આઉટસોર્સના કર્મચારી ફરજ પર આવતા ન હોવા છતાં તેની ખોટી હાજરી અને સહીઓ કરી સાત મહિનાના પગારના રૂા. 89,873નું પગારબિલ બનાવી ઉચાપાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી. જી. હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ થયેલી લાખોની ઉચાપાતમાં પોલીસને મહિલાની ધરપકડ કરવામાં હજી સુધી સફળતા મળી નથી. ત્યારે વધુ એક ઉચાપાતનું પ્રકરણ પોલીસ દફતરે નોંધાયું છે. જેમાં જી. જી. હોસ્પિટલના વિવાદાસ્પદ એજન્સી એમ. જે. સોલંકીના સેનેટરી ઇન્સ્પેક્ટર મકસુદ પઠાણ તથા જી. જી. હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારી રાજેન્દ્રસિંહ ગુરૂભા જાડેજા બન્નેએ મળીને આઉટસોર્સના કર્મચારી કિશનભાઇ જગદિશભાઇ ગઢવી નોકરી પર આવતો ન હોવા છતાં રાજેન્દ્રસિંહએ તેની ખોટી હાજરી પુરી હતી. તેમજ મકસુદ પઠાણએ કિશનના હાજરીપત્રકો બનાવી તેમાં સહી કરી હતી. કિશન ગઢવીનો માસિક પગાર રૂા. 12,839 હતો. આ બન્નેએ કિશનના નામે સાત-સાત મહિનાના પગારના કુલ રૂા. 89,873ની ઉચાપાત કરી હતી. આ ઉચાપાત પ્રકરણે જી. જી. હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. પ્રમોદુમાર રામદાસ સક્સેના દ્વારા બે શખ્સો વિરૂઘ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઇ વી. એન. ગઢવી તથા સ્ટાફએ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


