સોખડા હરિધામ મંદિરમાં 1 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહ (નશ્વર દેહ)ની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે. આ પહેલાં સ્વામીજીના વિગ્રહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે. અંતિમસંસ્કાર વિધિ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે, એમ જિલ્લા પોલીસે જણાવ્યું હતું. સોખડા-હરિધામ મંદિરના સંતોએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટના રોજ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર વિધિ બપોરે 2:30 વાગે કરાશે.
જેના માટે પહેલાં મંદિરની બહાર મેદાનના સ્થાનનો નિર્ણય કરાયો હતો. સોખડાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પ્રિય સ્થાન લીમડા વનમાં જ તેમની અંત્યેષ્ટિ કરાશે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા લીમડાના ઝાડ નીચે બેસીને સત્સંગ કરતા હતા, જ્યારે હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનાં ઝાડ અત્યંત પ્રિય હતાં, એટલે અંતિમ સંસ્કારમાં મોટા ભાગે લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરાશે.
1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિ શરૂ થશે, જેમાં પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી 7 નદીનાં જળ તેમજ કેસરયુક્ત પાણી તેમજ ઘી સહિતનાં દ્રવ્યોથી સ્વામીજીના નશ્વર દેહને સ્નાન કરાવાશે. બાદમાં પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરની આસપાસ પ્રદક્ષિણા કરાવવા વિચારણા છે. આ ઉપરાંત કારમાં બિરાજમાન કરીને પણ પ્રદક્ષિણા કરવામાં આવી શકે છે. અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરાશે.