લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપી અને લતાજીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલિન થઈ જશે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ સંસ્કારની વિધિ માટે 8 પંડિતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સેનાએ લતા મંગેશકરના પાર્થિવ શરીરને સલામી આપી હતી અને 21 બંદૂકો વડે સલામી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા હતા અને લતા દીદીને અંતિમ વિદાય આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી લતા મંગેશકરને પોતાના મોટા બહેન સમાન માનતા હતા અને લતા મંગેશકર પોતાના ભાઈ માટે ગુજરાતી વ્યંજનો બનાવતા હતા. લતા દીદીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડાપ્રધાન મોદી શિવાજી પાર્કથી રવાના થયા હતા. ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરનું તા. 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અવસાનને લઈ દેશભરમાં ભારે શોકનો માહોલ વ્યાપેલો છે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને સવારે તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંબઈના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
શિવાજી પાર્ક ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત દેશની અનેક દિગ્ગજ રાજકીય, રમત અને કલા ક્ષેત્રે સંકળાયેલી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાજ ઠાકરે, પીયૂષ ગોયલ સહિત, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અનેક હસ્તિઓએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહરૂખ ખાને લતા મંગેશકરને પગે લાગીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના માટે દુઆ પઢી હતી. લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને આ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી પર રહેશે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને ફૂલો વડે સજાવાયેલા ટ્રક દ્વારા શિવાજી પાર્ક લાવવામાં આવ્યું હતું અને તેમના અંતિમ દર્શન માટે રસ્તા પર હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઠ દાયકાનું યોગદાન
આઠ દાયકાઓ સુધી ફિલ્મ ઉદ્યોગમાં સંગીત દ્વારા યોગદાન આપનાર લતા દીદીને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય લતા દીદીને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે સન્માન પણ મળી ચૂક્યા છે. લતા દીદીને ફિલ્મ ‘લેકિન’ માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.