હોલિકા દહન બાદ એક દિવસના વિરામ પછી હાલારમાં ધામધૂમથી રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકામાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓએ જગત મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધિશ સાથે રંગે-ચંગે ફુલડોલ ઉત્સવ ઉજવ્યો હતો. અબીલ-ગુલાલની છોળો સાથે શ્રધ્ધાળુઓએ કાળિયા ઠાકોર સાથે હોળી રમ્યાનો અહેસાસ કર્યો હતો. દ્વારિકામાં ધામધૂમથી ઉજવાયેલા આ ફુલડોલ ઉત્સવમાં માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી શ્રધ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પહોંચ્યા હતા. જેઓ દ્વારકાધિશ સાથે હોળી ઉજવીને પોતાની જાતને ધન્ય અનુભવી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં પણ ધામધૂમ અને રંગેચંગે લોકોએ ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. તેમણે વડીલો સાથે રંગોત્સવ મનાવી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. બીજી તરફ જામનગર પોલીસ હેડકવાર્ટરમાં જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ તેમની ધર્મપત્ની સાથે રંગોત્સવમાં ભાગ લઇ અહીં આયોજિત રંગોત્સવના કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે રંગે રમ્યા હતા.