કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ઇડી દ્વારા કુલ 4700 કેસોની તપાસ ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં માત્ર 313 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ રોકથામ કાયદા અંતર્ગત કરવામાં આવી છે જેનો અમલ 2002માં કરવામાં આવ્યો હતો. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા બેંકોને અત્યાર સુધીમાં કુલ 18 હજાર કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીએ કુલ લેણામાંથી 18000 કરોડ રૂપિયા પરત કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં મની લોન્ડરિંગના કુલ 67,000 કરોડ રૂપિયાના મામલા ચાલી રહ્યા છે. હાલ ઇડી દ્વારા કુલ 4700 કેસોની તપાસ ચાલી રહી છે. ગત પાંચ વર્ષ દરમિયાન ઇડી દ્વારા તપાસના નવા મામલા વર્ષ 2015-16 દરમિયાન 111 હતા જે 2020-21 દરમિયાન વધીને 981 પર પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં હાલ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ઇડીને મળેલી વ્યાપક શક્તિઓને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ઇડીને પીએમએલએ અંતર્ગત તપાસ, જપ્તી, સર્ચ અને સંપત્તિ કબજે કરવાના અધિકારો મળ્યા છે. મેહતાએ બેંચને કહ્યું હતું કે વર્ષ 2016થી વર્ષ 2021 દરમિયાન ઇડીએ તપાસ માટે પીએમએલએના માત્ર 2086 મામલા સ્વિકાર કર્યા હતા. જ્યારે આવા મામલાઓ માટે 33 લાખ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. વિદેશોમાં મની લોન્ડરિંગના કેસો કેટલા દાખલ થાય છે તે અંગે પણ તેમણે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ભારતમાં આ કાયદા અંતર્ગત બહુ ઓછા કેસો દાખલ થાય છે.
જ્યારે બ્રિટનમાં દર વર્ષે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત 7,900 મામલા, અમેરિકામાં 1532, ચીનમાં 4691, ઓસ્ટ્રિયામાં 1036, હોંગકોંગમાં 1823, બેલ્જિયમમાં 1862, રશિયામાં 2764 મામલા દાખલ થાય છે.