ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર ઠાકર શેરડી ગામે ભોગાત- કાલાવડ 400 કે.વી. ના વીજલાઇનના કામ અંતર્ગત આ વિસ્તારમાં ગત તારીખ 15 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર 2021 સુધીના સમયગાળામાં કોઈ તસ્કરોએ ઉભા કરવામાં આવેલા લોખંડના ચાર વીજપોલમાંથી લોખંડના એંગલ તથા લોખંડના નટ-બોલ ખોલીને લઈ ગયા હોવાનું કંપની કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું.
આથી કુલ રૂા.1,47,500ની કિંમતના 5,900 કિલો લોખંડના ઉપકરણની ચોરી કરી જવા સબબ એલએન્ડટી કંપનીના કર્મચારી એવા મૂળ વેસ્ટ બેંગાલના અને હાલ જામનગરમાં દિગ્વિજય પ્લોટ ખાતે રહેતા કર્મચારીએ કૌશિક બિદ્ધુ શેખર ભટ્ટાચાર્ય (ઉ.વ.49) એ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.