જૂન મહિનાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જુદી-જુદી પાંચ સેવાઓમાં આમ આદમીને મોંઘવારીનો માર સહન કરવાનો વખત આવ્યો છે. આજથી વિમા પ્રિમીયમથી માંડીને પોસ્ટ વિભાગની સેવાઓ પણ મોંઘી થઇ રહી છે. વાહનોના થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમમાં આજથી સરેરાશ 21 ટકાનો વધારો થયો છે. 1000 સીસીથી ઓછીની ક્ષમતા ધરાવતા વાહનોના વિમા પ્રિમીયમ રુા. 2094 થશે જે અગાઉ 2072 હતા. 1000 થી 1500 સીસીની કારના વિમા પ્રિમીયમ 3221થી વધીને 3416 થયા છે. 1500 સીસીથી વધુની કારના થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ પેટે રુા. 7897 ચૂકવવા પડશે. એક્સીસ બેન્ક દ્વારા આજથી ન્યુનતમ માસિક બેન્ક બેલેન્સ માટે નવો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. 15,000ના બદલે હવે 25,000ની ન્યુનતમ બેંક બેલેન્સ રાખવી પડશે તેનાથી ઓછી રહેવાના સંજોગોમાં ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોનાં બેંક ખાતાઓમાં લાગુ પડશે. ટર્મ ડીપોઝીટમાં હવે ન્યુનતમ 1 લાખ રુપિયાનો નિયમ લાગુ પડશે.
ભારતમાં ગત વર્ષે સોનામાં ફરજીયાત હોમમાર્કિંગનો કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. આજથી બીજા તબકકાનો કાયદો લાગુ પડશે. તેમાં વધુ 32 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજથી દેશનાં 288 જિલ્લાઓમાં હોલમાર્ક ધરાવતા દાગીનાઓના જ વેચાણની છૂટ રહેશે. 14, 18, 20, 22, 23 અને 24 કેરેટની હોલમાર્ક જ્વેલરી જ વેચી શકાશે. હોલમાર્ક વિનાના જૂના દાગીના વેચવાની છૂટ રહેશે. ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની આધાર મારફત સુવિધા મેળવતા ગ્રાહકોને 15 જૂનથી ચાર્જ ચૂકવવો પડશે. આ સુવિધા માટે દર મહિને માત્ર ત્રણ વ્યવહાર મફત હશે તેમાં રોકડ ઉપાડ, રોકડ જમા અને મીની સ્ટેટમેન્ટ મેળવવાની સેવા સામેલ છે. ત્યારબાદ ચોથી વખત વ્યવહાર કરવા પર રુા. 20+જીએસટી ચૂકવવો પડશે. મીની સ્ટેટમેન્ટ માટે રુા. 5+જીએસટી ચૂકવવાનો રહેશે. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક એવી સ્ટેટ બેન્કના હોમલોનના વ્યાજ દરમાં આજથી વધારો થઇ રહ્યો છે. હોમલોન એક્સર્ટનલ બેંચ માર્ક લેન્ડીંગ રેટ આજથી 0.40 ટકા વધીને 7.05 ટકા થયો છે.આ રેટની નીચેના દર બેન્ક દ્વારા હોમલોનની ઓફર કરવામાં નહીં આવે.