ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના સમાપન સાથે જ સાંજથી એક્ઝિટ પોલની અફડાતફડી શરુ થઇ જશે અને તા. 8 સવાર સુધી ઉત્તેજના યથાવત રહેશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અત્યંત રસાકસીભરી બની રહી છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં જે રીતે હેટ્રીક પ્રચાર કર્યો તેના પરથી ભાજપે તેના 2024 સુધીના રાષ્ટ્રીય રાજકારણનો રોડ-મેપ હવે ફરી વખત ગુજરાતથી શરુ થશે તે નિશ્ચિત કરી દીધું છે અને તેથી ગુજરાતના પરિણામો એ સૌથી કટોકટીભર્યા બન્યા રહે તો આગામી સમયમાં રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ રસપ્રદ બનશે તે નિશ્ર્ચિત છે.
અત્યાર સુધીમાં જે પ્રિ-પોલ સર્વે આવ્યા હતા તેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટણીમાં વિજેતા બતાવાયો છે જ્યારે સટ્ટાબજારમાં પણ ભાજપના વિજય દાવ લાગ્યા છે. પરંતુ પ્રથમ તબક્કાના મતદાને બાજીને જબરી રીતે ફેરવી નાખી હોય તેવું માનવામાં આવે છે. મહત્વનું એ છે કે ભાજપ કેટલી બેઠકો મેળવી શકશે તે સૌથી મહત્વનું છે અને સૌથી વધુ દાવ તેના પર લાગ્યા છે.