ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજો વધી જતાં અને બેઠકો ખાલી રહેતાં વિદ્યાર્થીઓની તંગી દૂર કરવા માટે હવે અંગ્રેજી ઉપરાંત અન્ય 8 જેટલી ભાષાઓમાં પણએંજીનિયરીંગ કરી શકાશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થાય છે.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજો વધી રહી છે. પરંતુ તેની સામે બેઠકો ખાલી રહે છે. પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે 8 પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માગે છે.
પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છૂટ આપવા પાછળનું કારણ ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના સપનાં પૂર્ણ કરવાનું છે. ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી અભ્યાસક્રમ માફક આવતો નહીં હોવાથી તેઓ આ ક્ષેત્રથી દૂર ભાગી રહ્યાં છે તેવા સંજોગોમાં હવે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ પસંદ કરી શકશે.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધે એ જણાવ્યું છે કે માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગના પાયાના સિદ્ધાંતો વધુ સારી રીતે અને વધુ સરળતાથી સમજી શકશે. પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમ શરૂ કરવા માટે કાઉન્સિલને 500 જેટલી રજૂઆત મળી હતી.
સરકારના શિક્ષણ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં એન્જીનિયરીંગ ક્ષેત્રની બેઠકોની સંખ્યા 2019-20માં 73500 જેટલી હતી પરંતુ તેમાંથી પ્રતિવર્ષ 45 થી 55 ટકા બેઠકો દર વર્ષે ખાલી રહેતાં 2020-21માં એન્જીનિયરીંગની બેઠકોની સંખ્યા ઘટીને 63,851 થઇ છે. એવી જ રીતે ધોરણ-10 પછીના ડિપ્લોમાની બેઠકો એક વર્ષમાં 74,715 થી ઘટીને 56,085 થઇ છે.