જાન્યુઆરી-2022થી ઓનલાઈન ફૂડ ડિલિવરી મોંઘી થઈ જશે. હવે ફૂડ ડિલિવરી એપ્સ ઉપર સીધો પાંચ ટકા જીએસટી લાગશે. તેના કારણે સરવાળે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકોને એ ચાર્જ એક નહીં તો બીજી રીતે આપવો પડશે. ગત 17મી સપ્ટેમ્બરે જીએસટી પરિષદે આ નિર્ણય લીધો હતો. ઓનલાઈન ફૂડ ડિલિવરી હવે મોંઘી થઈ જશે. જાન્યુઆરી-2022થી ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પાસેથી સરકાર પાંચ ટકા જીએસટી વસૂલશે. એ ચાર્જ ફૂડ ડિલિવરી એપ્સ ગ્રાહકો પાસેથી જ વસૂલશે.
તેના કારણે દરેક ઓર્ડર ગ્રાહકો સુધી પહોંચશે ત્યારે સરેરાશ 15-20 જેટલો મોંઘો થઈ જાય એવી શક્યતા છે. હગત સપ્ટેમ્બર માસમાં જીએસટી કાઉન્સિલે રેસ્ટોરન્ટને બદલે ફૂડ ડિલિવરી એપ્સ પાસેથી જીએસટી વસૂલવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે જે રેસ્ટોરન્સ પાસે જીએસટી રજિસ્ટ્રેશન ન હોય તેનું ફૂડ ઓનલાઈન ડિલિવરી એપ ગ્રાહકો સુધી પહોંચાડે તો તેનો ટેક્સ સરકારને મળતો ન હતો. માત્ર ફૂડ સેફ્ટીના લાઈસન્સના આધારે અસંખ્ય નાના ધંધાર્થીઓ ફૂડનો બિઝનેસ કરતા હોય છે. રેસ્ટોરન્ટ્સમાંથી પૂરતું જીએસટી કલેક્શન આવતું ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. એ પછી જીએસટી કાઉન્સિલે ફૂડ એપ્સ પાસેથી જ દર ઓર્ડરે પાંચ ટકા જીએસટી વસૂલવાની જાહેરાત કરી હતી. આમ તો કાયદાકીય રીતે જે ટેક્સ લાગે છે તેને સીધો ગ્રાહકો પાસેથી વસૂલી શકાશે નહીં, પરંતુ નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ફૂડ ડિલિવરી એપ્સ ડિલિવરી ચાર્જ કે પેકિંગ ચાર્જ જેવા નામે બીજી કોઈ રીતે એ રકમ સરવાળે તો ગ્રાહકો પાસેથી જ વસૂલશે. તેના કારણે ઓનલાઈન ફૂડ હવે મોંઘું થઈ જશે.