મુંબઈમાં ગઇકાલે સિઝનનો પહેલો ભારે વરસાદ નોંધાયો હતો. મંગળવાર સવારના આઠ વાગ્યાથી દિવસ દરમિયાન છ ઈંચ કરતાં વધારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, મુંબઈની પશ્ર્ચિમી લાઈનની ટ્રેનોન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો હતો પરંતુ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર ટ્રેનો મોડી પડી હતી. માર્ગો પર પાણી ભરાતાં તથા સબ વે બંધ કરાતાં અન્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈમાં અગાઉ યલો એલર્ટ અપાયો હતો પરંતુ હવામાન ખાતાંએ બાદમાં ચેતવણી અપગ્રેડ કરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. તા. 9મી સુધી અતિ ભારે વરસાદની શક્યતાને પગલે મુંબઈગરાઓને સચેત રહેવા જણાવાયું છે.
મુંબઇના ગગનમાં જબરો મેઘાડંબર છવાયો છે. કાળાં ડિબાંગ વરસાદી વાદળો તેની પૂરી તાકાતથી મુંબઇ પર વરસી રહ્યાં છે. મુંબઇનું આકાશ આજે મંગળવારે બેસુમાર વરસ્યું હતું. આમ તો સોમવાર બપોર બાદ મુંબઇ પર વરૂણ દેવની ભરપૂર કૃપા વરસી રહી છે.
પૂર્વનાં ઘાટકોપર, મુલુંડ, પવઇ અને પશ્ર્ચિનાં બોરીવલી, કાંદિવલી, અંધેરી, સાંતાક્રૂઝ વગેરેપરાંથી લઇને તળ મુંબઇના દાદર, પરેલ, લોઅર પરેલથી લઇને મરીન લાઇન્સ અને છેક ચર્ચગેટ સુધી રસતરબોળ વરસાદ વરસ્યો હતો. સાથોસાથ મુંબઇ નજીકનાં નવી મુંબઇ, થાણે, પાલઘરમાં પણ મુશળધાર વર્ષા થઇ રહી હોવાના સમાચાર મળે છે. સાંતા ક્રૂઝ અને કોલાબા વેધશાળા ખાતે ગઈકાલ સવારથી આજ સવાર સુધીના ચોવીસ કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ, તે પછી ગઇકાલે દિવસ દરમિયાન જ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ સંબંધી દિવાલ તૂટી પડવાની કે વૃક્ષો ધરાશાયી થવાની નાની મોટી ઘટનાઓ સર્જાઈ હતી. જોકે, ક્યાંય કોઈ જાનહાનિ થઈ ન હતી.
હવામાન ખાતાએ આવતા આવતા ચાર દિવસ (6,7,8,9-જુલાઇ) માટે મુંબઇ સહિત થાણે અને પાલઘરમાં ભારેથી અતિ ભારે (ઓરેન્જ એલર્ટ) વરસાદ વરસે તેવી આગાહી કરી છે. આમ તો હવામાન ખાતાએ મુંબઇને સોમવાર સુધી યલો એલર્ટ કેટેગરીમાં રાખ્યું હતું પણ આજે તમામ વરસાદી પરિબળો ભારે તોફાની બન્યાં હોવાથી મંગળવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (મુંબઇ કેન્દ્ર) જયંત સરકારે માહિતી આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ કોંકણ-ગોવા પર ભારે તોફાની બન્યું છે. સાથોસાથ ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ અતિ સક્રિય થયું છે. ઉપરાંત મધ્યપ્રદેશ અને તેના નજીકના આકાશમાં 5.8 કિલોમીટરના અંતરે લો પ્રેશર (હવાના હળવા દબાણનું કેન્દ્ર) સર્જાયું છે. સાથોસાથ સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ તીવ્ર અસર વરતાઇ રહી છે.વળી, હાલ ગુજરાતના સમુદ્ર કિનારાથી મહારાષ્ટ્રના દરિયા કાંઠા સુધી ઓફ્શોર ટ્રફ(હવાના હળવા દબાણનો પટ્ટો) પણ સર્જાયો છે.જોકે હાલ બંગાળના ઉપસાગરમાં પણ ઘણા દિવસો બાદ લો પ્રેશર સર્જાયું છે. વળી,પશ્ર્ચિમના પવનો પણ બંગાળના અખાતમાંથી ભેજનો વિપલ જથ્થો મુંબઇ સહિત આખા મહારાષ્ટ્ર પર ઠાલવી રહ્યા છે. આવાં એક કરતાં વધુ કુદરતી પરિબળો અતિ સક્રિય થયાં હોવાથી મુંબઇ સહિત નજીકનાં નવી મુંબઇ, થાણે, પાલઘર, ક્લાયાણ-ડોંબીવલીમાં શ્રીકાર વર્ષા થઇ રહી છે.