જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ મોટાં પ્રમાણમાં વધી રહી છે. જામનગર ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ,દ્વારકા સહિતના જિલ્લાઓ માંથી દર્દીઓ કોરોની સારવાર મેળવવા જી.જી.હોસ્પિટલમાં આવી રહ્યા છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બહારગામથી દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે બહારગામથી આવતાં દર્દીઆના પરિવારજનોને રહેવા તથા જમવાની વ્યવસ્થા વિના મૂલ્યે કરવા શહેરની અનેક સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિઓ આગળ આવી છે. અને કોરોના દર્દીઓના પરિવારજનોને આ વિકટ પરિસ્થિતિમાં સહિયારો આપી રહી છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં બહારગામથી કોરોનાની સારવાર માટે આવતાં દર્દીઓના પરિવારજનો માટે જી.જી.હોસ્પિટલ નજીક નિ:શુલ્ક ભોજન સુવિધા શરૂ કરવામાં આવી છે. જી.જી.હોસ્પિટલ નજીક આવેલ રાઠોડ નિવાસ કોવિડ હોસ્પિટલના એન્ટ્રી ગેઇટ પાસે સોલેરિયમની સામે જામનગર ખાતે કોરોના દર્દીના પરિવારજનો માટે બપોરે 12 થી 2 વગ્યા સુધી નિ:શુલ્ક ભોજન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ચા-પાણી તથા છાશ ની સેવા પણ આપવામાં આવી રહી છે. અને આવતીકાલથી રાત્રિ ભોજનની સુવિધાનો પણ પ્રારંભ કરવામાં આવશે. હાલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં બહારથી આવતા દર્દીઓના પરિવારજનોને રહેવા જમવાની મુશ્કેલી પડતી હોય છે ત્યારે જામનગરની અનેકવિધ સામાજીક સંસ્થાઓ આગળ આવી છે અને કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિમાં દર્દીના પરિવારજનો ની સેવા કરી રહી છે.