ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા એક શખ્સ દ્વારા રિલાયન્સ નીપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં મૃતક પિતાના નામે વીમા પોલીસી લઈ અને સુવ્યવસ્થિત રીતે કોભાંડ આચરી, વીમાની રકમ મેળવી લેવા સબબ આ શખ્સ આ ઉપરાંત એડવાઇઝર અને સેલ્સ મેનેજર સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે રહેતા અને રિલાયન્સ નીપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા વાસુદેવભાઈ દિગંબરભાઈ પુડલિક તીકમએ ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા મેરામણ નથુભાઈ ઓડેદરા, ઉપલેટા ખાતે રહેતા અરજણ બી. આંબલીયા અને ઉપલેટાના રામદે કરંગીયા નામના ત્રણ શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં રિલાયન્સ નિપોન કંપની સાથે ખોટા દસ્તાવેજો મારફતે કૌભાંડ આચરી રૂા. 3,82,300 ની વીમાની રકમ મેળવી લઈને ઠગાઇ કરવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા નથુભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના એક આસામીની વીમા પોલિસી રિલાયન્સ નીપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની મારફતે ગત તારીખ 21 ઓગસ્ટ-2015ના રોજ તેમના પુત્ર મેરામણ નથુભાઈ ગીગાભાઈ ઓડેદરા દ્વારા લેવામાં આવી હતી.
જે-તે સમયે વીમા પોલિસી લેતી વખતે નથુભાઈ ગીગાભાઈ ઓડેદરાનું ડ્રાયવિંગ લાયસન્સ કંપનીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને આ માટે ઉપલેટાના રહીશ અને ઇરડા લાયસન્સ એડવાઈઝર એવા ઉપલેટાના રહીશ રામદે કરંગીયા અને સેલ્સ મેનેજર અરજણભાઈ બી. આંબલીયા (રહે. ઉપલેટા)એ પોલીસી ઉતરાવનાર નથુભાઈ ગીગાભાઈની રૂબરૂમાં પોલિસીમાં સહી કરેલ હોવાનું જણાવ્યું હતું. જે સંદર્ભે નથુભાઈની વીમા પોલિસી ઇસ્યુ થઈ ગઈ હતી અને તે માટે રૂપિયા 49,990 નું પ્રીમિયમ જમા કરાવવામાં આવ્યું હતું. પોલિસીમાં વારસદાર તરીકે નથુભાઈના પુત્ર મેરામણભાઈ ઓડેદરા હોવાનું જણાવાયું હતું.
આ પછી ગત તા. 11 એપ્રિલ 2018 ના રોજ હૃદયરોગના હુમલાના કારણે નથુભાઈ અવસાન પામ્યા હોવાનું જણાવી અને આ માટે ગત તારીખ 18 એપ્રિલ 2018 ના રોજ વીમા કંપની પાસે રૂા. 3,82,300 ની રકમ વીમા ક્લેમ માટેની અરજી રજૂ કરવામાં આવી હતી. જે-તે સમયે વીમાધારક નથુભાઈની ખોટી આપવામાં આવેલી વિગત ઉપરાંત નથુભાઈ ઓડેદરા તો વર્ષ 2006માં જ અવસાન પામ્યા હોવાનું કંપનીની તપાસમાં ખુલવા પામ્યું હતું. એટલું જ નહીં, નથુભાઈ ગીગાભાઈ ઓડેદરાનો મરણનો દાખલો મોડપુર ગ્રામ પંચાયત ખાતેથી નોંધાયો હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે ક્રોસ વેરિફિકેશનમાં આ અંગે મોડપુર ગ્રામ પંચાયતમાં કોઈ નોંધ ન હતી.
આમ, રિલાયન્સ નીપોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના જે-તે સમયના અધિકારી રામદેભાઈ કરંગીયા તથા અરજણ આંબલીયાએ ગુનાહીત કાવતરૂ રચી અને પોલીસી ઉતરાવનાર વારસદાર મેરામણભાઈ નથુભાઈ ઓડેદરા દ્વારા અંગત ફાયદા માટે રિલાયન્સ નીપોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીનો ફાયદો ઉઠાવી, કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, પોલીસી ઉતરાવનારના મેરામણ નથુભાઈ ઓડેદરાએ રૂા.3,82,300 ની વીમાની રકમ મેળવવા તેના પિતા નથુભાઈ ઓડેદરાનો મરણનો ખોટો દાખલો રજૂ કરી, ખોટી માહિતી અને દસ્તાવેજ રજુ કરી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.