જામનગર શહેરમાં સમર્પણ સર્કલ ઓવરબ્રીજ નીચે ઓફિસ ધરાવતા કન્સ્ટ્રકશન ના વ્યવસાયી યુવાનને વિશ્વાસમાં લઇ અંજારના શખ્સ દ્વારા રૂા.17.40 લાખની બેંક લોન કરાવી ક્રેટા કાર છોડાવી અને ગાડીના હપ્તા નહીં ભરી યુવાન સાથે છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.11 માં રહેતાં અને સમર્પણ સર્કલ ઓવરબ્રીજ પાસે મહાકાલ એન્ટરપ્રાઈઝના નામે કન્સ્ટ્રકશન નો વ્યવસાય કરતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનને કચ્છ જિલ્લાના અંજારમાં રહેતાં આફતાબ નામના શખ્સે વિશ્ર્વાસમાં લઇ રવિરાજસિંહ ના નામે રૂા.17,40,000 ની બેંક લોન કરાવી હુન્ડાઈ કંપનીમાંથી જીજે-03-એમએચ-5673 નંબરની ક્રેટા ગાડી અંજાર શોરૂમમાંથી છોડાવી હતી. અને આ ગાડીના હપ્તા આફતાબ પોતે ભરી દેશે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો. ત્યારબાદ આફતાબે રવિરાજસિંહને પાંચ હપ્તાના એડવાન્સ પેટે રૂા.2 લાખ આપી દીધા હતાં. ત્યારબાદ ગાડીના હપ્તા નહીં ભરી અને ગાડી પણ સોંપી ન હતી. આખરે રવિરાજસિંહ દ્વારા પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફે આફતાબ વિરુધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.