જામનગર શહેરમાં રહેતાં બ્રાસપાર્ટના વેપારી યુવાન સાથે હરિયાણાના શખ્સે 29 લાખની કિંમતના બ્રાસના રોડની ખરીદી કરી પૈસા નહીં ચૂકવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં બે શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસી ફેસ-3 માં હાઈટેક એકસ્ટુ્રશન પ્લાન ધરાવતા વસંત વેકુંઠભાઈ કટારિયા નામના યુવાન વેપારી બ્રાસના સામાનનો લે-વેચ કરતા હતાં અને તેમની પાસેથી હરિયાણાના ગોરી મેટલ્સ (બદી) કંપની તથા ચિંતપૂર્ણી એલ્યોઝના માલિક શરદ અગ્રવાલ અને સુગંધા અગ્રવાલ નામના બે વ્યક્તિઓને બ્રાસના રોડ ખરીદવા માટે એજન્ટ તરીકે નિમણૂંક કરી હતી. આ બન્ને એજન્ટોએ વર્ષ 2017ની સાલમાં ચિંતપૂર્ણિના નામે રૂા.2,93,617 અને ગૌરી મેટલ્સના નામે રૂા.26,30,242 મળી કુલ રૂા.29,23,859 ની કિંમતના બ્રાસના રોડની ખરીદી કરી હતી અને આ રોડનું રૂા.29 લાખનું પેમેન્ટ જામનગરના વેપારીને ચૂકવવાનું હતું પરંતુ, બન્ને વ્યક્તિઓએ બ્રાસના રોડના પૈસા જામનગરના વેપારીને નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત કર્યો હતો બાદમાં વેપારી દ્વારા અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં નાણાં નહીં ચૂકવતા બન્ને શખ્સો સામે વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.