દ્વારકા પંથકમાં રહેતા કેટલાક સોની વેપારીઓ સાથે છેલ્લા વર્ષોથી કારીગરીનું કામ કરી અને વિશ્વાસ કેળવ્યા બાદ રૂા. 42 લાખનું સોનું તથા રોકડ રકમ લઈને નાસી છૂટેલા પશ્ચિમ બંગાળના કારીગર સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મંદિર ચોક વિસ્તારમાં રહેતા અને ક્રિષ્ના જ્વેલર્સ નામની સોની પેઢીના સંચાલક કૌશિકભાઈ રમેશચંદ્ર ઘઘડા નામના 41 વર્ષીય સોની યુવાને મુળ પશ્ર્ચિમ બંગાળ રાજ્યના હુગલી જિલ્લાના હરનાલ ખાતેના રહીશ અને હાલ વર્ષોથી દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા આજીમ હાફીઝ મુલ્લાહ નામના કારીગર સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી સોની કૌશિકભાઈ ઘઘડા તથા આ વિસ્તારના અન્ય સોની વેપારીઓ મૂળ પશ્ર્ચિમ બંગાળના રહીશ અને સોનાના દાગીના બનાવવા (ઘડતર)નું કામ જાણતા આજીમ હાફીઝ પાસે છેલ્લે આશરે બે-અઢી દાયકાથી સોનાના દાગીનાનું ઘડતર કામ કરાવતા હતા. જેથી ઉપરોક્ત કારીગર સામે દ્વારકાના વેપારીઓને વિશ્વાસ અને ભરોસો બેસી ગયો હતો અને તેઓ ગ્રાહકોને ઓર્ડર મુજબ સોનાના દાગીના બનાવવા માટે પશ્ચિમ બંગાળના કારીગર આજીમ હાફીઝને કોઈપણ લખાણ વગર માત્ર ભરોસો રાખીને સોનુ આપતા હતા.
પરંતુ કોઈ કારણોસર આજીમ હાફીઝની દાનત બગડતા જુદા-જુદા વેપારીઓ દ્વારા તેને દાગીના તૈયાર કરવા માટે આપેલું 798.885 ગ્રામ સોનુ લઈ અને નાસી છૂટી હોવાનું વેપારીઓને ધ્યાને આવ્યું હતું.
આમ, જુદા-જુદા વેપારીઓ પાસેથી દાગીના બનાવવા માટે મેળવેલું રૂપિયા 41,94,146 ની કિંમતનું 799 ગ્રામ જેટલું સોનું ઉપરાંત દ્વારકા પંથકના અન્ય એક આસામી કેશુભાઈ માપભા પાસેથી લીધેલા રૂા. 45,000 ની રોકડ રકમનું પણ તેણે બુચ મારી અને નાસી છૂટી હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે આરોપી આજીમ હાફીઝ મુલ્લાહ સામે સોની વેપારીઓને વિશ્વાસ અને છેતરપિંડી કરવા સબબ સોની વેપારી કૌશિકભાઈ ઘઘડાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.