જામનગર શહેરમાં સુમેરકલબ રોડ પરના વિસ્તારમાં રહેતાં અને કોન્ટ્રાકટર સાથે બેંગ્લોરની લીમીટેડ કંપનીના ડાયરેકટરે ઓટોમેટીક મશીન બનાવવા માટે રૂા.47.50 લાખ લઇ અને મશીન કે રૂપિયા ન આપતા કોન્ટ્રાકટર દ્વારા બેંગ્લોરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સુમેરકલબ રોડ પરના વિસ્તારમાં રહેતાં અને જિલ્લા પંચાયતના સદસ્ય તથા કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતાં વિનોદભાઇ ધરમશીભાઇ વાડોદરીયા નામના પ્રૌઢે બેંગ્લોરની સીક્રોન ઇન્ફ્રાટેક પ્રા.લી. કંપનીમાંથી ઓટોમેટીક HDD 2L 200A નંબરનું મશીન કંપનીના ડાયરેકટર સીબુ પોલ પાસેથી ખરીદ કર્યું હતું અને આ મશીનની ઇમ્પોર્ટ ડયૂટી અને કસ્ટમ ડયૂટી સહિતના રૂા.47.50 લાખ ચૂકવ્યા હતાં. બે વર્ષના સમય દરમ્યાન લાખોની રકમ ચૂકવ્યા પછી કંપની દ્વારા મશીન કે રૂપિયા પરત આપવામાં આવ્યા ન હતાં તેથી કોન્ટ્રાકટરે અવાર-નવાર મશીન મોકલવા અથવા મોકલેલી રકમ પરત આપવા માંગણી કરી હોવા છતાં બેંગ્લોરની કંપનીએ મશીન કે, રૂપિયા પરત ન આપતાં કંટાળેલા કોન્ટ્રાકટરે આખરે પોલીસને જાણ કરી હતી.
જેના આધારે પીએસઆઇ એમ.વી.મોઢવાડિયા તથા સ્ટાફે કોન્ટ્રાકટરના નિવેદનના આધારે બેંગ્લોરની લીમીટેડ કંપનીના ડાયરેકટર સીબુ પોલ વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.