જામનગર શહેરમાં જનતા ફાટક પાસે રહેતા બ્રાસપાર્ટના વેપારી પાસેથી બ્રાસનો માલ મગાવી 60 લાખની રકમ નહીં આપી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે હરિયાણાના શખ્સની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક પાસે આવેલી રઘુવીર સોસાયટીમાં રહેતા અને જીઆઈડીસી ફેસ-2 માં પ્લોટ નં.348/349-બી માં સુપર એમ્પેકસ પેઢીના સંચાલક અતુલ ગંગદાસભાઈ કાછડિયા નામના વેપારીએ હરિયાણાના અંબાલા શહેરના વેપારી શરદકુમાર તરસેમચંદ અગ્રવાલ નામના વેપારીએ વર્ષ 2017 માં ગૌરીમેટલના નામે સુપર ઈમ્પેકસ પેઢીમાંથી રૂા.60,13,205 ની કિંમતના બ્રાસરોડ ખરીદ કર્યા હતાં અને આ બ્રાસરોડ વેંચવા માટે જામનગરના સુપર ઈમ્પેકસ દ્વારા શરદ કુમારની એજન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેથી 60 લાખના બ્રાસરોડની રકમ ચૂકવવામાં ન આવતા અતુલ કાછડિયા દ્વારા આ રકમની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં શરદ કુમારે પૈસા ચૂકવવા માટે કોઇ ગંભીરતા દાખવી ન હતી. જેથી આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં જાણ કરતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે શરદકુમાર અગ્રવાલ વિરુધ્ધ 60.13 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.