રાજકોટના જામનગર રોડ પરની નંદનવન સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ.40)એ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના શૈલેષ ઉર્ફે સેટિંગ દલસાણિયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને રાજપીપળાના ઇકબાલ ઉર્ફે મુન્ના ખત્રીના નામ આપ્યા હતા. ઘનશ્યામસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહિના પૂર્વે તેમના પાડોશી દ્વારા શૈલેષ દલસાણિયાનો સંપર્ક થયો હતો અને શૈલેષે રેલવેમાં રૂ.15 લાખમાં નોકરી અપાવવાની વાત કરી હતી. ઘનશ્યામસિંહે તેના ભાણેજ ભલગામડા રહેતા મીતરાજસિંહ મયૂરધ્વજસિંહ રાણાની નોકરી માટે શૈલેષને વાત કરી હતી અને રૂ.15 લાખ આપતા જ શૈલેષ મીતરાજસિંહને લઇને અમદાવાદ પહોંચ્યો હતો અને ત્યાં કલ્પેશ શેઠની મુલાકાત કરાવી હતી.
કલ્પેશ શેઠ મીતરાજસિંહને લઇને દિલ્હી પહોંચ્યો હતો, ત્યાં મેડિકલ કરાવ્યું હતું અને પ્લેનથી લખનઉ પહોંચ્યા હતા. મીતરાજસિંહને રેલવેમાં નોકરીનો ઓર્ડર આપી લખનઉ રેલવે સ્ટેશનની બાજુમાં મીતરાજસિંહની ટ્રેનિંગ શરૂ કરાવી દીધી હતી. મીતરાજસિંહની નોકરીના 66 દિવસ થતાં તેમના ખાતામાં રૂ.16543 પગાર પેટે જમા કરાવ્યા હતા. મીતરાજસિંહની નોકરી થતાં ઘનશ્યામસિંહે તેના પુત્ર જયવીરસિંહ અને તેમના સંબંધી હરપાલસિંહ ચુડાસમા, તેના મિત્ર ઋષિ ભટ્ટ, ભાગ્યરાજસિંહ ઝાલા તથા યશપાલસિંહ ઝાલાની નોકરીની વાત કરાવી તેમની નોકરી પેટેના પૈસા પણ મોકલાવ્યા હતા. કુલ રૂ.68 લાખ 5 હજાર મોકલાવ્યા હતા. જયવીરસિંહની કેટલીક રકમ ચૂકવવાની બાકી હોવાથી તેમને ટ્રેનિંગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને આ અંગે જયવીરસિંહે પરિવારજનોને જાણ કરતાં નોકરીના નામે છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. છેતરપિંડીના આ મામલામાં રાજપીપળાના ઇકબાલ ખત્રીની પણ વરવી ભૂમિકા બહાર આવી હતી.