જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલા ઝવેરીના ઝાપા વિસ્તારમાં રહેતાં વૃધ્ધાને સરકાર દ્વારા રૂા.25,000 ની સહાય આપવાના બહાને અજાણી મહિલાએ વિશ્ર્વાસમાં લઇ વૃધ્ધા પાસેથી સોનાની બંગડી, ચેઈન, વીંટી સહિતના રૂા.4.20 લાખના દાગીના લોકરમાં મૂકવાનું બહાનું બતાવી છેતરપિંડી આચરી વિશ્ર્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં ઝવેરીના ઝાપામાં રહેતાં રમાબેન રમેશચંદ્ર મહેતા નામના વૃધ્ધા ગત તા.17 ના રોજ બપોરના સમયે એકલા હતાં ત્યારે અજાણી મહિલાએ ઘરમાં આવીને વૃદ્ધાને સરકાર દ્વારા વૃદ્ધોને રૂા.25 હજારની સહાય આપવામાં આવે છે તો તમને પણ આ સહાય મળે તે માટે વિશ્ર્વાસમાં લઇ કાગળ ઉપર કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વૃદ્ધા વિશ્ર્વાસમાં મહિલાએ વૃધ્ધાને ‘એકલા રહેતા હોવાથી ઘરમાં સોના-ચાંદીના હોય કે રોકડ રકમ હોય તો બેંક લોકરમાં સલામત રહે’ તેવો વિશ્ર્વાસ આપી રૂા.1,60,000ની કિંમતની સોનાની ચાર બંગડી, એક લાખની કિંમતની સોનાની પાટલી બે નંગ, રૂા.60 હજારની કિંમતનો સોનાનો ચેઈન તથા રૂા.40 હજારની કિંમતનો સોનાનો ચેઈન, રૂા.20 હજારની કિંમતની આર લખેલી સોનાની વીંટી અને રૂા.20 હજારની કિંમતની બીજી સોનાની વીંટી તથા રૂા.20 હજારની કિંમતની સોનાની બે બુંટી મળી કુલ રૂા.4,20,000 ની કિંમતના સોનાના દાગીના બેંકના લોકરમાં મૂકવાનું કહી અને તેની રસીદ ચાર-પાંચ દિવસમાં આપી જવાનું કહી પલાયન થઈ ગઇ હતી.
વૃદ્ધા પાસેથી દાગીના લોકરમાં મૂકવાનું કહીને લઇ ગયા અને એક અઠવાડિયું થઈ જતાં વૃધ્ધાએ તેની ભાણેજ નમ્રતાબેન મહેતાએ જાણ કરી હતી. જેથી તેમણે આ બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે પ્રૌઢાના નિવેદનના આધારે અજાણી મહિલા વિરૂધ્ધ છેતરિ5ંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી તેમજ આ વિસ્તારમાં રહેલાં સીસીટીવી ફુટેજોના આધારે મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.