જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આવેલી નદીમાં ભેંસો વારવા ગયેલા ચાર લોકો પાણીમાં ડૂબ્યા હતાં. સ્થાનિકોએ બે વ્યક્તિને બચાવી લીધા હતાં. જ્યારે એક તરૂણનું મોત નિપજ્યું હતું અને અન્ય એકની શોધખોળ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતાં ચનાભાઈ ભોલાભાઈ બાંભવા નામના ભરવાડ યુવાનનો પુત્ર રવિ ચના બાંભવા તથા તેના મિત્રો ગઈકાલે બપોરના સમયે ગામ નજીક આવેલી આજી-4 નદીના પાણીમાં ભેંસો વારવા ગયા હતાં તે દરમિયાન ચારેય મિત્રો નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. સ્થાનિકોએ ડૂબવા લાગેલા ચાર પૈકીના બે વ્યક્તિઓએ બચાવી લીધા હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં શોધખોળ બાદ રવિ ચના બાંભવા (ઉ.વ..15) નામના તરૂણનું પાણીમાં ડૂબી જવાથી બેશુધ્ધ થઈ ગયેલા તરૂણને જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તરૂણનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ચનાભાઈ પોલાભાઈ બાંભવા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.ડી. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને તરૂણના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.